છાપામાં શૅરમાર્કેટને લગતા સાઇબર ફ્રૉડના સમાચાર વાંચ્યા ત્યારે ખબર પડી પોતાની સાથે થયેલી ૧.૯૦ કરોડની છેતરપિંડી

19 April, 2026 09:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુલુંડના ૬૫ વર્ષના નિવૃત્ત મર્ચન્ટ નેવી ઑફિસરને ભારે પડી ગઈ એક યુવતી સાથેની ફ્રેન્ડ‍્લી વાતચીત

પ્રતીકાત્મક તસવીર

મુલુંડ-વેસ્ટના કૉલોની વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષના નિવૃત્ત મર્ચન્ટ નેવી ઑફિસરને ઓછા રોકાણ પર ટૂંકા સમયગાળામાં મોટો પ્રૉફિટ આપવાની લાલચ આપીને ૭ મહિનામાં ૧,૯૦,૨૫,૨૩૨ રૂપિયા પડાવી લેવાયા હતા. આ મામલે ઈસ્ટર્ન સાઇબર સેલે ગઈ કાલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. નૈના વર્મા નામની યુવતી ફરિયાદી સાથે ફ્રેન્ડ્લી વાતચીત કરીને પોતાને શૅરમાર્કેટની અનુભવી અને જાણીતી કંપનીની પ્રતિનિધિ તરીકે રજૂ કરીને વિશ્વાસ જીતી હતી. ત્યાર બાદ ૨૦૨૫ની ૨૪ ઑક્ટોબરથી શરૂ થયેલી આ ઘટનામાં સાઇબર ગઠિયાઓએ વૉટ્સઍપ દ્વારા સંપર્ક કરીને રોકાણ વિશે આકર્ષક પ્રસ્તાવ આપીને પૈસા પડાવી લીધા હતા. તાજેતરમાં ફરિયાદીએ અખબારમાં આવી છેતરપિંડીના સમાચાર વાંચ્યા બાદ પોતાની સાથે થયેલી છેતરપિંડીની તેમને જાણ થઈ હતી.

શું હતો ઘટનાક્રમ?
 મુલુંડમાં રહેતા ૬૫ વર્ષના નિવૃત્ત મર્ચન્ટ નેવી ઑફિસરને ૨૦૨૫ની ૨૪ ઑક્ટોબરે નૈના વર્મા નામની યુવતીએ વૉટ્સઍપ પર મેસેજ કરીને સામાન્ય વાત કરીને ફ્રેન્ડ બનવા કહ્યું. યુવતીની ફ્રેન્ડશિપ સ્વીકાર્યા બાદ યુવતીએ પોતાની ઓળખ શૅર માર્કેટની અનુભવી અને શૅરમાર્કેટની જાણીતી કંપની સાથે જોડાયેલી હોવાનું કહ્યું. 
 વિશ્વાસ જીતવા માટે તેણે ફરિયાદીને ‘A-111 Fyers Capital Horizon’ નામના વૉટ્સઍપ-ગ્રુપમાં જોડ્યા હતા જ્યાં રોજ શૅરબજાર વિશે માહિતી આપવામાં આવતી હતી એટલું જ નહીં, ગ્રુપમાં જોડાયેલા લોકો પોતાને થયેલા પ્રૉફિટના સ્ક્રીન-શૉટ પણ શૅર કરતા હોવાનું જોવા મળ્યું હતું.
 પછી ફરિયાદીને ‘A-55 FUS user exclusive service’ ગ્રુપમાં જોડવામાં આવ્યા અને સાથે ગૂગલ પરથી ‘Fyers-DMA’ નામની ઍપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી. શરૂઆતમાં ૫૦,૦૦૦ રૂપિયાનું રોકાણ કરાવ્યું જેમાં પાંચ લાખ રૂપિયાનો ફાયદો થયો હોવાનો દાવો કરીને એ પૈસા ફરિયાદીના ખાતામાં મોકલીને વિશ્વાસ વધારવામાં આવ્યો હતો.
 આગળ ધીરે-ધીરે રોકાણના નામે દોઢ કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. પછીથી જ્યારે ફરિયાદીએ પોતાના પૈસા કઢાવવાની કોશિશ કરી ત્યારે બ્રોકરેજ-ફી અને ઇન્કમ ટૅક્સના નામે ઘણા રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા.
 ૧,૯૦,૨૫,૨૩૨ રૂપિયા ભરી દીધા પછી પણ વધારે પૈસાની માગણી કરવામાં આવી રહી હતી. એ દરમ્યાન ફરિયાદીએ ન્યુઝપેપરમાં શૅરમાર્કેટ સાઇબર છેતરપિંડીના સમાચાર વાંચ્યા. ત્યાર બાદ પોતાની સાથે થયેલી છેતરપિંડીનો ખુલાસો થયો હતો.
 તેમણે સાઇબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી અને ગઈ કાલે ઈસ્ટર્ન સાઇબર પોલીસ-સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. સાઇબર પોલીસે વૉટ્સઍપ-ચૅટ, બૅન્ક-સ્ટેટમેન્ટ સહિતના પુરાવાના આધારે તપાસ હાથ ધરી છે. 

mumbai news mumbai cyber crime mumbai police maharashtra news maharashtra mulund