05 July, 2025 02:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મીરા રોડમાં આવેલી મીઠાઈની દુકાનના દુકાનદારની મરાઠી ભાષાના મુદ્દે મારપીટ કરવાના કેસમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ૭ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. કાશીમીરા પોલીસે ધમાલ કરનારા ૭ કાર્યકરો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ રમખાણ, ધમકી અને અત્યાચારનો ગુનો દાખલ કર્યો છે.
મંગળવારે મીરા રોડના દુકાનદાર પાસેથી કોઈ વસ્તુ ખરીદતી વખતે તેને મરાઠી બોલતાં આવડે છે કે કેમ એવું પૂછવામાં આવ્યું હતું. તે મરાઠી ભાષામાં વાત ન કરી શકતો હોવાથી તેની MNSના કાર્યકરોએ માપીટ કરી હતી. મારપીટ કરવા બદલ પકડાયેલા કાર્યકરોને કાશીમીરા પોલીસ-સ્ટેશનમાં લઈ જવાયા હતા. પોલીસે તેમને નોટિસ આપ્યા બાદ છોડી દીધા હતા. નાયબ પોલીસ-કમિશનર (ઝોનલ)ની ઑફિસમાં નિવારક પગલાંરૂપે તેઓ હવેથી સારું વર્તન કરશે એવા બૉન્ડ પણ સહી કરાવવામાં આવશે એમ કાશીમીરા પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર કિરણ કદમે જણાવ્યું હતું.