✕

ડોમ્બિવલીની ૭ વર્ષની ટ્‍‌વિન્સે કર્યા મહારાષ્ટ્રના ૨૦૦ કિલ્લા સર

09 October, 2026 07:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સિદ્ધિ હાંસલ કરીને પોતાનું નામ ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્‍સમાં નોંધાવ્યું

પોતાનાં માતા-પિતા સાથે પ્રેશા અને રેશ્વા કદમ.

૪ ઑક્ટોબરે ૨૦૦મો કિલ્લો સર કરીને ડોમ્બિવલીની ૭ વર્ષની ટ્‍‌વિન સિસ્ટર્સે ઇતિહાસ રચ્યો હતો અને પોતાનું નામ ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્‍સમાં નોંધાવ્યું હતું. ડોમ્બિવલીની પ્રેશા અને રેશ્વી કદમે ૪ ઑક્ટોબરે નાશિક જિલ્લામાં આવેલા ધોડપ કિલ્લાનો ટ્રેક પૂરો કર્યો હતો, જે તેમના જીવનનો ૨૦૦મો ટ્રેક હતો. આ બન્ને બહેનોએ પોતાની સફર ફક્ત બે વર્ષની ઉંમરે શિવનેરી કિલ્લાના ટ્રેકથી શરૂ કરી હતી. ૩ વર્ષની ઉંમરે ૧૨ કિલ્લા સર કરીને તેમણે ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું.

ટ્રેકિંગની સાથે-સાથે તેઓ કિલ્લાઓ વિશે તથા મહારાષ્ટ્રના ઇતિહાસ અને વારસા વિશે પણ શીખતી આવી છે. તેમણે ૨૦૦મો કિલ્લો સર કર્યો એ ધોડપ કિલ્લાનું ટ્રેકિંગ ખૂબ મુશ્કેલ ટ્રેક માનવામાં આવે છે. એ સહ્યાદ્રિ પર્વતમાળા પર આવેલો બીજા નંબરનો ઊંચો કિલ્લો છે. તેમની આ સિદ્ધિને આખા ટ્રેકર્સના સમુદાયમાં વખાણવામાં આવી રહી છે. આટલી નાની ઉંમરે આ મુકામ હાંસલ કરવા બદલ બન્ને બહેનોની સોશ્યલ મીડિયામાં પણ ચર્ચા કરવામાં આવી રહી છે. 

પ્રેશા અને રેશ્વાએ જણાવ્યા અનુસાર કિલ્લાઓ પરનો ટ્રેક તેમના માટે ફક્ત એક હૉબી નથી. આ કિલ્લાઓના દરેક પથ્થરે અને એની માટીએ મહારાષ્ટ્રના મહાન ઇતિહાસની ગાથાને સાચવી રાખી છે એટલે તેમના માટે આ ટ્રેક કરતાં વધુ મહત્ત્વની વાત છે.

mumbai news mumbai dombivli maharashtra news maharashtra