12 August, 2026 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રી જૈન જ્વેલર્સ નામની દુકાનમાં પોલીસ દ્વારા કરવામાં આવતી તપાસ.
નાલાસોપારા-ઈસ્ટના મોરેગાવ નાકા વિસ્તારમાં આવેલી શ્રી જૈન જ્વેલર્સ નામની દુકાનમાં ગઈ કાલે વહેલી સવારે તસ્કરોએ ધાડ પાડી હતી. ચોરોએ દુકાનના મુખ્ય શટરનું સેન્ટ્રલ લૉક કટર કે અન્ય હથિયાર વડે તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને ૧૭ લાખ રૂપિયાની આશરે ૮ કિલો ચાંદી ચોરીને પલાયન થઈ ગયા હતા. સવારે આસપાસના લોકોએ દુકાનમાલિકને જાણ કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ વિશે દુકાનમાલિક દ્વારા તુળીંજ
પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. શાતિર ચોરો પુરાવાનો નાશ કરવા માટે દુકાનનું ડિજિટલ વિડિયો રેકૉર્ડર (DVR) પણ સાથે લઈ ગયા હોવાથી પોલીસે હવે નજીકના વિસ્તારોમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચકાસીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
તુળીંજ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિજય જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તસ્કરો દુકાનમાંથી આશરે ૮ કિલો ચાંદીના કીમતી દાગીના અને સામાન ચોરીને લઈ ગયા છે. બજારકિંમત અનુસાર લૂંટાયેલા આ મુદ્દામાલની અંદાજિત કિંમત ૧૭ લાખ રૂપિયા જેટલી થાય છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમારી ટીમે ડૉગ-સ્ક્વૉડ સાથે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. જોકે એમાં કોઈ માહિતી સામે આવી નથી. દુકાનમાલિકની ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે જ્વેલર્સના માલિકો રાત્રે શોરૂમ બંધ કરતી વખતે મોટા ભાગના કીમતી દાગીના તિજોરીમાં મૂકી દેતા હોય છે અથવા પોતાની સાથે લઈ જતા હોય છે, પરંતુ આ કેસમાં આટલી મોટી માત્રામાં ચાંદી દુકાનમાં જ ઉપલબ્ધ હોવાની માહિતી ચોરો પાસે હોવાથી આ ચોરીમાં નજીકની કે માહિતગાર વ્યક્તિની સંડોવણી હોવાની પ્રબળ શક્યતા છે.’
DVR ગાયબ હોવાથી પોલીસ સમક્ષ મોટો પડકાર
તુળીંજ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિજય જાધવે કહ્યું હતું કે ‘શાતિર ચોરોએ પોલીસથી બચવા માટે એક ચાલબાજી પણ કરી હતી. તેઓ દુકાનની અંદર લાગેલા CCTV કૅમેરાનું DVR મશીન પણ પોતાની સાથે ઉઠાવી ગયા હતા, જેથી તેમનો કોઈ વિડિયો કે ફોટો પોલીસને ન મળે. તસ્કરો જાણતા હતા કે CCTV કૅમેરાના ફુટેજથી તેમની ઓળખ થઈ શકે છે. હવે અમે જ્વેલરની દુકાનની આસપાસના મુખ્ય રસ્તાઓ, દુકાનો અને સોસાયટીઓમાં લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજ એકઠાં કરવાનું શરૂ કર્યું છે જેથી ચોરોની ઓળખ કરીને તેમને વહેલી તકે ઝડપી શકાય.’