સોસાયટીના ચૅરમૅન, સેક્રેટરી, ટ્રેઝરરની ધરપકડ

22 December, 2024 01:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘાટકોપરમાં પાણીની ટાંકીમાં ડૂબીને થયેલા ૮ વર્ષના છોકરાના મૃત્યુ બદલ પોલીસે તરત પગલાં લીધાં

મૃત્યુ પામનાર સચિન વર્મા

ઘાટકોપર -ઈસ્ટના કામરાજ નગરમાં શાંતિસાગર સોસાયટીમાં આવેલી જૂની પાણીની ટાંકીમાં પડી જતાં શુક્રવારે સાંજે આઠ વર્ષના સચિન જનબહાદુર વર્માનું મૃત્યુ થયું હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. આ મામલે પંતનગર પોલીસે ગઈ કાલે વહેલી સવારે શાંતિસાગર સોસાયટીના પાંચ પદાધિકારીઓ સામે ફરિયાદ નોંધીને ત્રણ સભ્યોની ધરપકડ કરી છે. સોસાયટીના સભ્યોએ પાણીની ટાંકી નજીક સેફ્ટી-વૉલ ન રાખતાં ઘટના સર્જાઈ હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. બીજી તરફ સચિનના પિતાએ તેના બાળકના મૃત્યુ માટે જવાબદારોની તાત્કાલિક ધરપકડ કરવા માટેની માગણી પોલીસ પાસે કરી છે.

મારા દીકરાના મોત માટે જવાબદાર તમામને સજા મળવી જોઈએ એમ જણાવતાં સચિનના પિતા જનબહાદુરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સચિન બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. રોજ સાંજે હું તેને લઈ ઘર નજીક છોડી પાછો મારા કામે ચાલ્યો જતો હતો. શુક્રવારે સાંજે તેને કામરાજ નગરમાં આવેલી મ​સ્જિદ નજીક છોડી હું પાછો મારા કામે ગયો હતો. આશરે સવાછ વાગ્યાની આસપાસ મારા માલિક આશિષે મને ફોન કરીને મારો દીકરો શાંતિસાગર સોસાયટીની પાછળ આવેલી પાણીની ટાંકીમાં પડી ગયો હોવાની જાણ કરી હતી એટલે તાત્કાલિક હું ઘટનાસ્થળે પહોંચી નજીકના લોકોની મદદથી મારા દીકરાને બહાર કાઢી તેને રાજાવાડી હૉસ્પિટલમાં લઈ ગયો હતો. જોકે હાજર ડૉક્ટરોએ મારા દીકરાને મૃત જાહેર કર્યો હતો. સચિન કઈ રીતે એ સોસાયટીમાં પહોંચ્યો એની માહિતી મને હજી નથી મળી. મારા દીકરાના મૃત્યુ માટે જવાબદારોને સજા ચોક્કસ મળવી જોઈએ. હું અને મારી પત્ની તેનું મોઢું જોઈને સખત પરિશ્રમ કરતાં હતાં, તેના માટે અમે મોટાં સપનાં જોયાં હતાં જે બધાં હવે તૂટી ગયાં છે.’

શાંતિસાગર સોસાયટીના પાંચ સભ્યો સામે અમે ફરિયાદ નોંધ કરી ત્રણની ધરપકડ કરી છે એમ જણાવતાં પંતનગર પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર મનોહર આવ્હાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચૅરમૅન, સેક્રેટરી, ટ્રેઝરર સહિતના પાંચ લોકોની સામે બેદરકારી કરવા બદલ અમે ફરિયાદ નોંધી છે. આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.’

ghatkopar mumbai police news mumbai mumbai news