midday

બે સિક્સ બાદ ત્રીજી સિક્સ મારવા ગયેલા ૨૭ વર્ષના યુવાનને જીવલેણ હાર્ટ-અટૅક આવી ગયો

29 January, 2025 10:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વસઈ તાલુકાની કોપરગાવની ઘટના : સાગર વઝેને અગાઉ પણ હાર્ટ-અટૅક આવ્યો હતો એટલે ડૉક્ટરે ક્રિકેટ રમવાની ના પાડેલી
જીવ ગુમાવનારો વસઈનો ૨૭ વર્ષનો સાગર વઝે.

જીવ ગુમાવનારો વસઈનો ૨૭ વર્ષનો સાગર વઝે.

ક્રિકેટ રમતી વખતે અચાનક હાર્ટ-અટૅક આવવાને લીધે જીવ ગુમાવવાની ઘટનાઓ તાજેતરમાં ઘણી બની છે. વસઈ તાલુકાના કોપરગાવમાં રહેતા ૨૭ વર્ષના સાગર વઝેએ પણ આવી જ રીતે જીવ ગુમાવ્યો હોવાની ઘટના બની છે. સાગરે બૅટિંગ કરતી વખતે બે બૉલમાં બે સિક્સ મારી હતી. આથી ક્રિકેટ મૅચ માણી રહેલા લોકોએ વધુ એક સિક્સ ફટકારવાની માગણી કરી હતી ત્યારે સાગર પિચમાં આગળ જઈને બૉલને ફટકારવા ગયો હતો, પણ બૉલને સાગર ફટકારે એ પહેલાં જ ઢળી પડ્યો હતો. સાગર ખૂબ જ સારો બૅટ્સમૅન હતો એટલે તે આસપાસના લોકોમાં ઘણો લોકપ્રિય હતો એટલે તેનું આવી રીતે અચાનક મૃત્યુ થવાથી ક્રિકેટરસિકોની સાથે ગામવાસીઓમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

શુક્રવાર સાંજની આ ઘટનામાં બે સિક્સ માર્યા બાદ ત્રીજી સિક્સ મારતી વખતે ઢળી પડેલા સાગર વઝેને તાત્કાલિક ધોરણે નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટરોએ તેને ઍડ્મિટ કરતાં પહેલાં જ મૃત જાહેર કર્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સાગરને થોડા સમય પહેલાં હાર્ટ-અટૅક આવ્યો હતો એટલે ડૉક્ટરે તેને ક્રિકેટ રમવાની ના પાડી હતી. જોકે સાગરને બાળપણથી જ ક્રિકેટ રમવાનો ગાંડો શોખ હતો એટલે તેણે થોડો સમય ડૉક્ટરની સલાહ પર ધ્યાન આપ્યું હતું, પરંતુ બાદમાં તે અગાઉની જેમ જ ક્રિકેટ રમવા લાગ્યો હતો.

vasai heart attack cricket news news mumbai mumbai news