17 November, 2025 09:41 AM IST | Mumbai | Bakulesh Trivedi
એવરેસ્ટ બેઝ કૅમ્પ સર કર્યા બાદ પોતાની ટીમ સાથે ખુશખુશાલ મોનિતા ઝવેરી, બરફમાં કપરાં ચડાણ ચડી રહેલાં મોનિતા ઝવેરી.
જુહુ સ્કીમમાં રહેતાં બાવન વર્ષનાં મોનિતા ઝવેરીએ બીજી નવેમ્બરે ૫૩૬૦ મીટર એટલે કે ૧૭,૫૮૫ ફુટની ઊંચાઈનો એવરેસ્ટ બેઝ કૅમ્પ સર કર્યો હતો. એ માટે કેવી તૈયારી કરવી પડી અને આ અનુભવ કેવો રહ્યો એ વિશે જણાવતાં તેમણે કહ્યું હતું કે ‘ઇટ્સ અ માઇન્ડ ગેમ. તમારે મન મક્કમ રાખવું પડે. હા, ફિઝિકલ ફિટનેસ તો જોઈએ, પણ એથી વધારે માનસિક રીતે તમે કેટલા સક્ષમ છો એની ખરી પરીક્ષા થાય છે.’
આ સાહસ કરવાનું કઈ રીતે સૂઝ્યું અને કઈ રીતે એની તૈયારીઓ કરી એ વિશે માહિતી આપતાં મોનિતા ઝવેરીએ કહ્યું હતું કે ‘હું અને મારા હસબન્ડ દીપેન બન્ને રોજ વર્કઆઉટ કરીને ફિટનેસ જાળવીએ છીએ. મને ઘણાં વર્ષોથી એવરેસ્ટ સર કરવાની ઇચ્છા હતી. જોકે દીપેનને વર્કઆઉટ કરવું ગમે, ફિટ રહેવું ગમે, પણ તેમને એવી કોઈ ઇચ્છા નહોતી; પણ જ્યારે મે કહ્યું કે મારે એવરેસ્ટ બેઝ કૅમ્પ પર જવું છે ત્યારે તેમણે મને ફુલ સપોર્ટ આપ્યો. એટલું જ નહીં, મારાં દીકરા અને દીકરીએ પણ કહ્યું કે મમ્મી હજી તારાથી થઈ શકે છે તો જરૂર ટ્રાય કર. ફૅમિલીનો સપોર્ટ મળ્યો એટલે મેં તૈયારીઓ ચાલુ કરી. એ પછી રોજ રનિંગ અને અન્ય કસરતો ચાલુ કરી. ફિટનેસ પર વધુ ધ્યાન આપ્યું. મુંબઈના સૌથી નાની ઉંમરના પ્રોફેશનલ માઉન્ટેનિયર અને એવરેસ્ટ સર કરનાર પાર્થ ઉપાધ્યાયે આ અભિયાન અરેન્જ કર્યું અને હું તેના ગ્રુપ સાથે જોડાઈ હતી.’
એવરેસ્ટ બેઝ કૅમ્પ કરતાં પહેલાં બે મહિના સુધી દર વીક-એન્ડમાં સહ્યાદ્રિનાં શિખરો સર કરવાની ટ્રેઇનિંગ લીધી હતી એમ જણાવતાં મોનિતા ઝવેરીએ કહ્યું હતું કે ‘લુકાલાથી આઠ દિવસ ટ્રેક કરીને બેઝ કૅમ્પ સુધીની જર્ની ઘણી અલગ હતી. સહ્યાદ્રિમાં ટ્રેકિંગ કરવું અને હિમાલયમાં કરવું એ બન્નેમાં બહુ ફરક છે. ખાસ કરીને વિષમ પરિસ્થિતિઓમાં, અસામાન્ય ઠંડીમાં ટકી રહેવા માટે ફિઝિકલ સ્ટ્રેંગ્થ સાથે મનોબળ પણ બહુ મક્કમ જોઈએ. કઈ રીતે બરફમાં ચાલવું, શું ખાવું, કેટલો સમય આરામ કરવો વગેરે બાબતે અમને જે ઇન્સ્ટ્રક્શન્સ મળી હતી એને અમે બહુ સ્ટ્રિક્ટ્લી ફૉલો કરી. સવારે ૩.૩૦ વાગ્યે ઊઠીને અમે ટ્રેક શરૂ કરતાં હતાં. નાની-મોટી બધી મુશ્કેલીઓ પાર કરીને આખરે બીજી નવેમ્બરે અમે એવરેસ્ટ બેઝ કૅમ્પ સર કર્યો હતો. અમે જે મહેનત કે તૈયારીઓ કરી હતી એનું સારું ફળ મળ્યું એવી અનુભૂતિ થઈ.’