હવે ડિજિટલ અરેસ્ટમાં ૩.૭૧ કરોડ ગુમાવનારી અંધેરીની ગુજરાતી મહિલાનો કિસ્સો સામે આવ્યો

30 December, 2025 12:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુરતના એક વેપારીએ સાઇબર ગઠિયાઓને છેતરપિંડીના પૈસા સ્વીકારવા પોતાનું અકાઉન્ટ વાપરવા દીધું એટલે તેની ધરપકડ થઈ

પ્રતીકાત્મક તસવીર

અંધેરીના વીરા દેસાઈ રોડ ખાતે રહેતાં ૬૮ વર્ષનાં એક મહિલા સાથે ડિજિટલ અરેસ્ટના નામે ૩.૭૧ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના કેસમાં વેસ્ટર્ન સાઇબર સેલે સુરતમાં રહેતા ૪૬ વર્ષના જિતેન્દ્ર મિયાણીની ધરપકડ કરી છે. ઑગસ્ટ અને ઑક્ટોબરમાં મહિલાને ડિજિટલ અરેસ્ટ કરીને તેને સુનાવણી માટે ‘જસ્ટિસ ચંદ્રચૂડની વર્ચ્યુઅલ કોર્ટ’માં હાજર કરવામાં આવી હતી. એ દરમ્યાન વિવિધ કારણ આપીને તેને બૅન્ક-અકાઉન્ટ્સમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું દબાણ કરવામાં આવ્યું હતું. આ મામલે પોલીસે નવેમ્બરમાં ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી ત્યારે બૅન્ક-અકાઉન્ટની માહિતી મળતાં પોલીસ જિતેન્દ્ર મિયાણી સુધી પહોંચી હતી.

વેસ્ટર્ન સાઇબર સેલના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિલાએ ૨૯ ઑગસ્ટથી ૬ ઑક્ટોબર દરમ્યાન ડિજિટલ અરેસ્ટના ડરથી વિવિધ બૅન્ક-અકાઉન્ટ્સમાંથી ૩.૭૧ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જ્યારે આરોપીએ વધુ પૈસા માગ્યા ત્યારે મહિલાને છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો. એ પછી મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. જોકે એ સમયે મહિલાએ આરોપી સાથેની તમામ ચૅટના સ્ક્રીનશૉટ અને બૅન્ક-સ્ટેટમેન્ટ અમને સુપરત કર્યાં હતાં. બૅન્ક-અકાઉન્ટ્સ વિશેની તપાસ કરવામાં આવતાં મહિલાએ સુરતના એક બૅન્ક-ખાતામાં પણ પૈસા ટ્રાન્સફર કર્યા હોવાની માહિતી મળતાં અમે એ અકાઉન્ટ-હોલ્ડર સુધી પહોંચ્યા હતા. એ પછી સુરત રહેતા જિતેન્દ્ર મિયાણીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ પોતાના બૅન્ક-અકાઉન્ટમાં પૈસા સ્વીકારીને પોતાનું કમિશન લઈ લીધા બાદ બીજા અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હોવાની માહિતી મળી હતી. જિતેન્દ્ર સુરતમાં કપડાનો વ્યવસાય કરે છે. આ મામલે અમે આગળની લિન્ક શોધવાની કોશિશ કરી રહ્યા છીએ.’

mumbai news mumbai cyber crime mumbai police maharashtra news andheri