રસ્તામાં દાગીના પહેરીને ન નીકળાય

20 July, 2026 01:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાલાસોપારામાં ચા પીવા નીકળેલા વૃદ્ધના સોનાના દાગીના સાચવીને મૂકવાના બહાને નકલી પોલીસ પિત્તળના પધરાવી ગઈ

પ્રતીકાત્મક તસવીર

નાલાસોપારા-ઈસ્ટમાં સિનિયર સિટિઝનને પોલીસ હોવાની નકલી ઓળખ આપીને લાખો રૂપિયાના દાગીના સેરવી લેનારી શાતિર ટોળકીનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
નાલાસોપારાના અલકાપુરી રોડ પર રહેતા ૬૯ વર્ષના પેન્શનર શુક્રવારે સવારે ચા પીવા જઈ રહ્યા હતા ત્યારે આચોલે તળાવના ગેટ પાસે કેટલાક બદમાશોએ તેમને અટકાવ્યા હતા. પોતાને પોલીસ-અધિકારી ગણાવીને આ ઠગોએ વૃદ્ધને ડરાવ્યા હતા કે સિનિયર અધિકારીઓના આદેશ મુજબ વરિષ્ઠ નાગરિકોએ રસ્તા પર સોનાના દાગીના પહેરીને ન ફરવું જોઈએ. તેમનો વિશ્વાસ જીતવા માટે આ ટોળકીએ અગાઉથી ગોઠવેલા અન્ય એક સાગરીતને બોલાવી તેની સોનાની ચેઇન કઢાવીને કાગળમાં વીંટી આપવાનો ઢોંગ કર્યો હતો. ત્યાર બાદ પેન્શનરને પણ તેમના તમામ દાગીના ઉતારવા મજબૂર કર્યા હતા. આરોપીઓએ દાગીના કાગળમાં લપેટી ખિસ્સામાં રાખવાનું કહી નજર ચૂકવીને અસલી દાગીના સેરવી લીધા હતા અને બદલામાં પિત્તળની ૩ વીંટી પધરાવી દીધી હતી. વૃદ્ધને શંકા જતાં તેમણે કાગળ ખોલીને જોયું ત્યારે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો, પરંતુ ત્યાં સુધીમાં આરોપીઓ બાઇક પર ફરાર થઈ ચૂક્યા હતા.

આ ઘટનામાં સોનાની બે ચેઇન, લૉકેટ, સોનાનું બ્રેસલેટ તથા વીંટી મળીને કુલ ૯.૫૦ લાખ રૂપિયાના દાગીનાની છેતરપિંડી થઈ હોવાનું પ્રકાશમાં આવતાં પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

mumbai news mumbai nalasopara Crime News mumbai crime news mumbai police