16 January, 2026 12:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર ગઈ કાલે તેનો મતાધિકાર બજાવવા જુહુના ગાંધી શિક્ષણ ભવન પર પહોંચ્યો હતો. તે મત આપીને બહાર આવ્યો ત્યારે એક ટીનેજર છોકરી તેની પાસે હાથમાં કાગળ લઈને પહોંચી હતી અને તેણે અક્ષય કુમારને ઉદ્દેશીને કહ્યું કે ‘મારા પિતા બહુ મોટા કરજમાં ડૂબી ગયા છે. પ્લીઝ, તેમને કરજમાંથી બહાર કાઢવા મદદ કરો.’ એ વખતે સિક્યૉરિટી ગાર્ડ્સે તેને દૂર કરવા પ્રયાસ કર્યો હતો ત્યારે તેમને અક્ષય કુમારે રોક્યા હતા એટલું જ નહીં, તેણે એ છોકરીને સાંભળી હતી અને કહ્યું હતું કે તમારો નંબર આપો અને પછી ઑફિસ આવી જાઓ. આટલી ધરપત મળતાં જ તે છોકરી અહોભાવથી તરત જ અક્ષય કુમારને પગે પડી હતી. એ વખતે અક્ષય કુમારે તેને પગે પડતાં પણ રોકી હતી. આ ઘટનાનો કોઈએ વિડિયો લીધો હતો અને એ સોશ્યલ મીડિયા પર વાઇરલ પણ થયો હતો. જોકે એ પછી અક્ષય કુમારે લોકોને સંબોધતાં કહ્યું હતું કે ‘BMCની ચૂંટણી થઈ રહી છે. મુંબઈગરા હોવાને લીધે એક દિવસ માટે આપણા હાથમાં રિમોટ કન્ટ્રોલ આવ્યું છે. જો આપણે ખરા હીરો બનવું હોય તો આપણે ડાયલૉગબાજી નથી કરવાની પણ અહીં આવીને મતદાન કરવાનું છે.’
અક્ષય કુમારે મદદ માગનારી છોકરીને આપેલી ધરપતનો એ વિડિયો વાઇરલ થઈ ગયા બાદ નેટિઝન્સ દ્વારા અક્ષય કુમારના એ વર્તનને બિરદાવવામાં આવ્યું હતું. એક જણે લખ્યું હતું કે તમે બહુ મોટા મનના છો, આ છોકરીને મદદ કરો. બીજાએ લખ્યું હતું કે તમે મદદ કરી એ માટે આભાર. અન્ય એક યુઝરે લખ્યું હતું કે તમને મદદ કરવાલાયક બનાવ્યા છે તો તમારે મદદ કરવી જોઈએ.