નરેન્દ્ર મોદીના આગમન વખતે થાણેમાં લેપર્ડ અલર્ટ

05 October, 2024 07:10 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

આજે આવી રહેલા વડા પ્રધાન માટે જ્યાં હેલિપૅડ બન્યું છે એ વિસ્તારમાં દીપડાની અવરજવર હોવાથી સલામતીનાં કારણસર ત્યાં રેસ્ક્યુ ટીમ તહેનાત કરવામાં આવી

નરેન્દ્ર મોદીનું ચૉપર આજે જ્યાં લૅન્ડ થવાનું છે એ નૅશનલ પાર્કને અડીને આવેલો વિસ્તાર.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે થાણેના કાસારવડવલીમાં વાલાવલકર ગ્રાઉન્ડમાં મુખ્ય પ્રધાનના મહિલા સશક્તીકરણ મિશન હેઠળ યોજાયેલી ઇવેન્ટ માટે આવવાના હોવાથી તેમની આ મુલાકાત પહેલાં સંજય ગાંધી નૅશનલ પાર્ક પાસે જ્યાં હેલિપૅડ બનાવવામાં આવ્યું છે ત્યાં લેપર્ડ રેસ્ક્યુ ટીમને તહેનાત કરવામાં આવી છે. આ વિસ્તારમાં દીપડાઓની અવરજવર રહેતી હોવાથી સલામતીનાં કારણસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ મુદ્દે મહારાષ્ટ્ર ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ‘વડા પ્રધાનની મુલાકાત માટે જે હેલિપૅડ તૈયાર કરવામાં આવ્યું છે એ સંજય ગાંધી નૅશનલ પાર્કમાં છે અને ત્યાં દીપડાઓની અવરજવર રહે છે. દીપડા સામાન્ય રીતે શરમાળ હોય છે અને માનવસંપર્કમાં આવવાનું ટાળે છે એથી પ્રતિબંધાત્મક ઉપાયરૂપે ત્યાં નૅશનલ પાર્કની લેપર્ડ રેસ્ક્યુ ટીમ એક પશુચિકિત્સકની સાથે હાજર રહેશે.’

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાનના મહિલા સશક્તીકરણ મિશન હેઠળ યોજાયેલી ઇવેન્ટમાં ભાગ લેવા માટે વાલાવલકર ગ્રાઉન્ડ પર આવવાના છે. આ કાર્યક્રમમાં તેમની સાથે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ‘થાણેમાં જ્યાં આ કાર્યક્રમ યોજાયો છે ત્યાં થોડા દિવસ પહેલાં એક સાપ મળી આવ્યો હતો જેનાથી ઉપસ્થિતોમાં ગભરાટ ફેલાયો હતો. આ કાર્યક્રમનું સ્થળ અને હેલિપૅડ જંગલની નજીક હોવાથી પ્રશાસન તકેદારીના પગલારૂપે આમ કરવા માગે છે. આથી લેપર્ડ રેસ્ક્યુ ટીમને ખડેપગે રાખવામાં આવશે.’

mumbai news mumbai narendra modi thane bharatiya janata party sanjay gandhi national park