રિસૉર્ટમાં યુવાને સ્વિમિંગ-પૂલમાં ડાઇવ મારી, પણ બહાર જ ન આવ્યો

30 June, 2026 07:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિસૉર્ટનો પૂલ માત્ર ચારેક ફુટ ડીપ હતો, નીચે માથું અફળાયું એટલે યુવાનનો જીવ ગયો

ફક્ત ચારેક ફુટ ઊંડા સ્વિમિંગ-પૂલમાં ડાઇવ મારવાનું શ્રેણિક ટકલેને ભારે પડ્યું હતું.

સિંધુદુર્ગ જિલ્લાના માલવણમાં એક રિસૉર્ટના સ્વિમિંગ-પૂલમાં પચીસ વર્ષના એક યુવકે સ્વિમિંગ કરવા માટે ડાઇવ મારી, પણ પાણી છીછરું હોવાથી તેનું માથું નીચે અફળાયું હતું અને તેણે જીવ ગુમાવ્યો હતો. જીવ ગુમાવનાર શ્રેણિક ટકલે કોલ્હાપુર જિલ્લાના કસબા સંગાવન ગામનો રહેવાસી હતો.

પોલીસના જણાવ્યા અનુસાર શ્રેણિક અને તેના ૯ ફ્રેન્ડ્સ વેકેશનમાં માલવણ ગયા હતા. આ ગ્રુપ ૨૦ જૂને સાંજે ચારથી પાંચ વાગ્યાની વચ્ચે માલવણ પહોંચ્યું હતું અને બજેટ-ફ્રેન્ડ્લી હોમસ્ટે શૈલીની માલવણી પાહુણચાર રેસ્ટોરાં ઍન્ડ રિસૉર્ટમાં ચેક-ઇન કર્યું હતું.

૨૧ જૂને બપોરે ૩ વાગ્યે લંચ પછી થોડી વારમાં આ ઘટના બની હતી. પોલીસે જણાવ્યું હતું કે ‘શ્રેણિકે રિસૉર્ટના સ્વિમિંગ-પૂલમાં ડાઇવ મારી હતી જે લગભગ ચારેક ફુટ ઊંડો હતો. તેના મિત્રો પહેલેથી જ સ્વિમિંગ-પૂલમાં હતા અને એન્જૉય કરી રહ્યા હતા. શ્રેણિક બહુ લાંબા સમય સુધી બહાર ન નીકળ્યો ત્યારે તેના મિત્રોને ખ્યાલ આવ્યો કે કંઈક ખોટું થયું છે. તેમણે તરત જ શ્રેણિકને પાણીમાંથી બહાર કાઢ્યો ત્યારે તે બેભાન હતો. તેને માલવણની ગ્રામીણ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તપાસ કરીને તેને મૃત જાહેર કર્યો હતો.’

mumbai news mumbai maharashtra news maharashtra sindhudurg