27 April, 2026 10:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢાના મુંબઈના ખારમાં આવેલા નિવાસસ્થાનની બહાર દેખાવો અને સૂત્રોચ્ચાર કરવા બદલ પોલીસે રવિવારે આમ આદમી પાર્ટી (AAP)ના કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી.
AAPના મુંબઈ યુનિટનાં પ્રમુખ પ્રીતિ શર્મા મેનને દાવો કર્યો હતો કે ‘અમે કેજરીવાલની સેનાના સૈનિકો છીએ. પોલીસે દેશદ્રોહી રાઘવ ચઢ્ઢા વિરુદ્ધ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરતા AAPના કાર્યકરોને અટકાવ્યા, જ્યારે ભારતીય જનતા પાર્ટીને રસ્તા જૅમ કરીને રૅલી કાઢવાની પરવાનગી અપાય છે.’
પોલીસે સ્થાનિક નેતા રુબેન મૅસ્કરેહૅન્સને તાબામાં લઈને કાર્યવાહી કરી હતી. AAPએ જણાવ્યું હતું કે રાઘવ ચઢ્ઢા અને છ સંસદસભ્યોના ભારતીય જનતા પાર્ટી (bjp)માં પક્ષપલટા સામે તેમના ખાર-વેસ્ટમાં ૧૬મા રોડ પર આવેલા ઘરની બહાર પક્ષના કાર્યકરોએ રાઘવ ચઢ્ઢાને bjpનો દલાલ કહેતા નારા લગાવીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું.
પોલીસને અગાઉથી જાણ કરવા છતાં ઘટનાસ્થળે ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. AAPના મુંબઈના કાર્યકારી પ્રમુખ રુબેન મૅસ્કરેહૅન્સને ઘરેથી લઈ જવામાં આવ્યા હતા અને ખાર પોલીસ-સ્ટેશનમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ઘણા નેતાઓનો સ્થાનિક પોલીસે સંપર્ક કરીને તેમને ભેગા ન થવાની સલાહ આપી હોવાનો અહેવાલ છે. AAP દ્વારા ઇશ્યુ કરાયેલા એક નિવેદન અનુસાર પોલીસે પાર્ટીના ચકાલા કાર્યાલયની પણ મુલાકાત લીધી હતી.