04 February, 2025 10:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આરાધ્યા બચ્ચનની દિલ્હી હાઈ કોર્ટમાં ફરીથી અરજી
સ્ટાર કપલ અભિષેક અને ઐશ્વર્યાની દીકરી અને અમિતાભ બચ્ચનની ૧૩ વર્ષની પૌત્રી આરાધ્યા બચ્ચને દિલ્હી હાઈ કોર્ટમાં ફરી પાછી અરજી કરી છે કે ગૂગલ સહિત બૉલીવુડ ટાઇમ્સ અને અન્ય પ્લૅટફૉર્મ પર તેની હેલ્થને લઈને ખોટા વિડિયો મૂકવામાં આવ્યા છે કે તે બીમાર છે અને કેટલાકમાં તો તે મૃત્યુ પામી હોવાની ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે એના પર રોક લગાડવામાં આવે. એથી ગૂગલ અને અન્યોને આ બાબતે હવે કાયદેસરની નોટિસ મોકલાવવામાં આવી છે. કોર્ટે હવે પછીની સુનાવણી ૧૭ માર્ચે રાખી છે.
પહેલાં એપ્રિલ ૨૦૨૩માં દિલ્હી હાઈ કોર્ટે ગૂગલને એ ખોટી માહિતી ફેલાવતા વિડિયો કાઢી લેવા જણાવ્યું હતું. એ વખતે જસ્ટિસ સી. હરિશંકરે આવી ખોટી માહિતી ફેલાવવા બદલ આકરી ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે ‘દરેક બાળકનું ગૌરવ અને સન્માન જળવાવું જોઈએ. સગીરો બાબતે આવી ખોટી માહિતી ફેલાવવી એ કાયદાની વિરુદ્ધ છે.’
કોર્ટે ગૂગલને કહ્યું હતું કે એ વિડિયો રિમૂવ કરવામાં આવે અને એ કોણે અપલોડ કર્યો હતો એની માહિતી આપે. કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે આવી કન્ટેન્ટને બ્લૉક કરવામાં આવે, સાથે જ ગૂગલને પણ નિયમ પાળવા જણાવ્યું હતું.