09 August, 2026 07:59 AM IST | Chhatrapati Sambhaji Nagar | Gujarati Mid-day Correspondent
અભિજિત દીપકે
કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકેએ સામાજિક કાર્યકર્તા અણ્ણા હઝારેને બુઢ્ઢા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમણે નિવૃત્તિ લઈને આશ્રમમાં જતા રહેવું જોઈએ. છત્રપતિ સંભાજીનગરમાં પત્રકારોએ દીપકેને પૂછ્યું કે શું તેઓ અણ્ણા હઝારેને મળશે? ત્યારે તેણે કહ્યું હતું કે ‘બિલકુલ નહીં. મને લાગે છે કે યુવાનોએ હવે બાબતો પોતાના હાથમાં લેવી જોઈએ. જેઓ ૬૦ કે ૭૦ વર્ષના થઈ ગયા છે તેમણે નિવૃત્તિ લેવી જોઈએ, પછી તે રાજકારણ હોય કે ઍક્ટિવિઝમ. તેમણે નિવૃત્તિ લઈ લેવી જોઈએ અને આશ્રમમાં જઈને બેસી જવું જોઈએ. આ અમારા ભવિષ્યનો સવાલ છે, વિદ્યાર્થીઓના ભવિષ્યનો પ્રશ્ન છે. અમને નક્કી કરવા દો. ક્યાં સુધી બુઢ્ઢા લોકો નિર્ણયો લેતા રહેશે?’
ભારતીય જનતા પાર્ટી (BJP)એ અભિજિત દીપકેની આ કમેન્ટ્સની ટીકા કરી હતી અને એને મૂલ્યોના અભાવનું સંપૂર્ણ પ્રદર્શન ગણાવ્યું હતું. BJPના IT સેલના ચીફ અમિત માલવીયએ એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘અણ્ણા હઝારે જેવા બુઢ્ઢાઓ પાસેથી અમને પ્રેરણા લેવાની જરૂર નથી એવું કહેવું એ ફક્ત અસભ્યતા નથી, એ સંસ્કારોના સંપૂર્ણ અભાવની નિશાની છે. જે કોઈ પોતાના કરતાં ઘણા મોટા લોકો વિશે આવી ભાષા વાપરે છે તેણે પહેલાં પોતાના પિતાની ઉંમરનો વિચાર કરવો જોઈએ. શું આ જ પરિભાષા તેમના માટે પણ સ્વીકાર્ય હશે? રાજકીય મતભેદ સ્વીકાર્ય છે, પરંતુ શિષ્ટાચાર અને મર્યાદાનો પણ એક અર્થ હોય છે. જ્યારે ભાષાની અધોગતિ થાય છે ત્યારે તર્ક પણ નિષ્ફળ જાય છે.’