04 February, 2025 11:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ અને અભિષેક આવ્યા હોવાની જાણ થઈ જતાં હોટેલની બહાર લોકો ભેગા થઈ ગયા હતા અને તેમની સાથે ફોટો પડાવવા લોકોએ ધસારો કર્યો હતો.
વાનખેડે સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની T20 મૅચમાં અભિષેક શર્માની જોરદાર ફટકાબાજી અને ભારતનો વિજય જોયા બાદ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન માટુંગાની ફેમસ કૅફે મદ્રાસમાં મિજબાની કરવા પહોંચી ગયા હતા.
હોટેલમાંથી બહાર આવતી વખતે અભિષેક અને તેની સાથે આવેલા બન્ટી વાલિયાને માથામાં શટર સહેજ વાગી ગયું હતું, પણ ગંભીર ઈજા નહોતી થઈ.
કૅફે મદ્રાસ સેન્ટ્રલ માટુંગામાં આવેલી ફેમસ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરાં છે. અમિતાભ બચ્ચન અને અભિષેક મૅચ પત્યા પછી રાતના ૧૧.૧૫ વાગ્યે કૅફે મદ્રાસ પહોંચ્યા હતા. એ સમયે રેસ્ટોરાં એના રોજના સમય મુજબ બંધ થઈ ગઈ હતી. જોકે તેમણે પહેલાં જ કહી રાખ્યું હતું એથી હોટેલના ઓનર જગદીશ કામથ અને તેમના બે દીકરા જયપ્રકાશ અને દેવવ્રત કામથ તથા ત્રણ વેઇટર ઉદય, સચિન અને આશિષ જ હાજર રહ્યા હતા. કૅફે મદ્રાસમાં અમિતાભ અને અભિષેકે ઇડલી, ઢોસા અને મેદુવડાં ખાધાં હતાં. જોકે તેઓ હોટેલમાંથી બહાર નીકળ્યા ત્યારે કેટલાક લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને તેમની સાથે ફોટો ક્લિક કરવાની કોશિશ કરી હતી. બંધ શટર ખોલીને તેમને બહાર લાવવામાં આવ્યા ત્યારે શટર સહેજ નીચે આવી જતાં અભિષેક અને તેની સાથેના ફિલ્મ-પ્રોડ્યુસર બન્ટી વાલિયાને માથામાં વાગ્યું હતું. જોકે સાથેના માણસોએ તરત એને ઉપર કરી દેતાં કોઈ ઈજા નહોતી થઈ. જોકે એમ છતાં રેસ્ટોરાં તરફથી તેમની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે બહુ જ સલૂકાઈથી અભિષેકે ‘ઇટ્સ ઓકે’ કહીને ત્યાંથી વિદાય લીધી હતી.