સુધરાઈ દ્વારા આવતી કાલે મહિલાઓ માટે વૅક્સિનેશન

26 September, 2021 11:41 AM IST  |  Mumbai | Chetna Sadadekar

આ ઉપરાંત મંગળવારે સવારે ૯થી બપોરે બે વાગ્યા સુધી ૧૮ વર્ષ કે એથી વધુ વયના શિક્ષકોને અને વિદ્યાર્થીઓને તથા બપોરે ૩થી રાત્રે ૮ વાગ્યા સુધી જે લોકોનો બીજા ડોઝ બાકી છે તેમને રસી આપવામાં આવશે

પ્રતિકાત્મક તસવીર

બીએમસીએ અત્યાર સુધીમાં મુંબઈમાં કુલ ૧.૨૧ કરોડ નાગરિકોને વૅક્સિનના ડોઝ આપ્યા છે, જેમાં મહિલાઓનો હિસ્સો માત્ર ૪૨ ટકા તથા પુરુષોનો હિસ્સો ૫૭ ટકા છે. રસીકરણમાં લૈંગિક અસમાનતાનું પ્રમાણ સરભર કરવા બીએમસીએ આવતી કાલે સવારે ૧૦થી સાંજના ૬ વાગ્યા સુધી તમામ નાગરિક, રાજ્ય અને કેન્દ્ર સરકાર સંચાલિત કેન્દ્રોમાં એક વિશિષ્ટ રસીકરણ સત્રનું આયોજન કર્યું છે.
સુધરાઈએ અત્યાર સુધીમાં ૬૯,૪૨,૮૭૧ પુરુષો અને ૫૧,૭૯,૫૧૨ મહિલાઓને રસીના ડોઝ આપ્યા છે. બીએમસીએ જણાવ્યું હતું કે તેમની પાસે હજી સુધી કેટલા નાગરિકોએ આંશિક અને કેટલાએ પૂર્ણ રસી મેળવી છે એના આંકડાઓ ઉપલબ્ધ નથી. વધુમાં અન્ય ૨૮૫૪ લોકોએ વિશેષ ઝુંબેશ દ્વારા રસી મેળવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. 
 આવતા અઠવાડિયે બીએમસીએ મહિલાઓ સિવાય વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને ‘ઓવરડ્યુ સેકન્ડ ડોઝ’ લાભાર્થીઓ માટે વિશિષ્ટ રસીકરણ સત્રોની પણ યોજના ધરાવે છે. 
મંગળવારે પ્રથમ સત્રમાં સવારે ૯થી બપોરે બે વાગ્યા સુધી ૧૮ વર્ષ કે એથી વધુ વયના શિક્ષકો અને વિદ્યાર્થીઓને રસી આપવામાં આવશે, જ્યારે દિવસના બીજા ભાગમાં બપોરે ૩થી રાત્રે ૮ વાગ્યા સુધી જે નાગરિકોનો બીજા ડોઝ બાકી છે તેમને રસી આપવામાં આવશે. બીજા સત્રમાં કોઈને પણ કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવશે નહીં. 
આ બન્ને દિવસોએ તમામ સંબંધિત કૅટેગરીના લાયક નાગરિકો રસીકરણ માટે મુંબઈનાં તમામ સરકારી અને મ્યુનિસિપલ રસીકરણ કેન્દ્રો પર ઑનલાઇન નોંધણી વિના સીધા જ વૉક-ઇન કરી શકશે.

mumbai news mumbai brihanmumbai municipal corporation covid vaccine vaccination drive