15 September, 2025 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સામાન્ય રીતે રાજનેતાઓ હવાઈ-મુસાફરી પસંદ કરતા હોય છે, પણ મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પત્ની સાથે ટ્રેન-મુસાફરીની મજા માણી હતી. રેલવે-સ્ટેશન પર તેમને રિસીવ કરવા માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પહોંચ્યા હતા. તસવીર : શાદાબ ખાન
મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરવા માટે આચાર્ય દેવવ્રત રવિવારે મુંબઈ પહોંચ્યા હતા. તેઓ પત્ની દર્શનાદેવી સાથે અમદાવાદથી તેજસ એક્સપ્રેસમાં સફર કરીને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર પહોંચ્યા ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમનું સ્વાગત કર્યું હતું. રેલવે-પોલીસે સ્ટેશન પર ગાર્ડ ઑફ ઑનર આપીને તેમને સન્માનિત કર્યા હતા અને રાજભવનમાં પણ આચાર્ય દેવવ્રતના સ્વાગત માટે ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું હતું. સોમવારે સવારે ૧૧ વાગ્યે રાજભવનના દરબાર હૉલમાં શપથવિધિનો કાર્યક્રમ યોજાશે. મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાક્રિષ્નન ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તાજેતરમાં જ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકેનો વધારાનો પદભાર સોંપ્યો છે.