મીરા-ભાઈંદરમાં ફટાકડાના ગેરકાયદે સ્ટૉલ પર રીતસર પાણી ફેરવી દેવાયું

30 October, 2024 10:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમુક સ્ટૉલ પરના ફટાકડા જપ્ત કરી એક ખાડો ખોદીને એમાં દાટી દીધા હતા

ફટાકડાના ગેરકાયદે સ્ટૉલ પર કાર્યવાહી કરી રહેલા MBMCના કર્મચારીઓ, MBMCના કર્મચારીઓએ ગેરકાયદે ફટકડા વેચતા ફેરિયાઓનો માલ જપ્ત કરીને ખાડામાં દાટી દીધો હતો.

દિવાળી આવતાં જ અનેક રોડની સાઇડમાં ફટાકડાના સ્ટૉલ્સ ખડકાઈ જાય છે. જોકે આ સ્ટૉલ લગાડવા માટે પાલિકાની પરવાનગી લેવી પડે છે, એટલું જ નહીં, સેફ્ટીનાં ધારાધોરણ પણ પાળવાનાં હોય છે એટલે ફાયર ડિપાર્ટમેન્ટની પરવાનગી પણ લેવાની હોય છે. જોકે ઘણા લોકો  અને ફેરિયાઓ કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર કે પ્રૉપર લાઇસન્સ લીધા વગર જ સ્ટૉલ લગાડી દે છે. મીરા–ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન (MBMC)એ મીરા-ભાઈંદરમાં ગેરકાયદે લગાડાયેલા ફટાકડાના સ્ટૉલ્સ પર કાર્યવાહી કરી હતી. MBMCના કર્મચારીઓએ ઑફિસરોની દેખરેખ હેઠળ ફટાકડા પર પાણીનો ફુવારો મારીને એને ભીંજવી નાખ્યા હતા તો અમુક સ્ટૉલ પરના ફટાકડા જપ્ત કરી એક ખાડો ખોદીને એમાં દાટી દીધા હતા. જેમની પાસે લાઇસન્સ હતાં છતાં અમુક નિયમનો ભંગ કર્યો હતો એ લોકોનાં લાઇસન્સ રદ કરી નાખ્યાં હતાં.

MBMCના કમિશનર સંજય કાટકરે કહ્યું હતું કે ‘લોકોની સુરક્ષાના મુદ્દે જ્યાં ગેરકાયદે કામ થશે એને ચલાવી નહીં લેવાય. અમે ૨૯ ફાયરમૅનની ટીમ બનાવી છે અને તેમના પર બે ઑફિસરોની નિમણૂક કરી છે. આ ટીમ પાણીનાં ટૅન્કર, રેસ્ક્યુ મટીરિયલ અને પિક-અપ વૅન સાથે તહેનાત કરવામાં આવી છે. એ ટીમ ગેરકાયદે સ્ટૉલ પર કાર્યવાહી કરી રહી છે.’

mumbai news mumbai mira bhayandar municipal corporation Crime News mumbai crime news diwali