સ્કૂલ અને મંદિર બાદ હવે થિયેટરો-નાટ્યગૃહો ખૂલશે

26 September, 2021 11:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દોઢ વર્ષથી બંધ પડદા બાવીસમી ઑક્ટોબરથી ખોલવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો

પ્રતિકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં કોરોનાની અસર ઓછી થયા બાદ હોટેલ, મૉલ અને મંદિર સહિત અનેક સાર્વજનિક સ્થળો પરના પ્રતિબંધો એક-એક કરીને હટાવવામાં આવ્યા હતા. મિશન બિગેન અગેઇનની કડીના ભાગરૂપે ગઈ કાલે રાજ્ય સરકારે થિયેટરો અને નાટ્યગૃહો ૨૨ ઑક્ટોબરથી ફરી શરૂ કરવાની મંજૂરી આપી હતી. તાજેતરમાં મુખ્ય પ્રધાને મનોરંજન ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. શરૂઆતના સમયમાં પચાસ ટકા ક્ષમતા રાખવાની શક્યતા છે. આ માટેની ગાઇડલાઇન્સ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
માર્ચ ૨૦૨૦માં મહારાષ્ટ્ર સહિત મુંબઈમાં કોરોનાવાઇરસના કેસ આવવાની શરૂઆત થયા બાદથી આ સંસર્ગજન્ય વાઇરસ ઝડપથી ફેલાતાં રાજ્યભરનાં થિયેટરો અને નાટ્યગૃહોને બંધ કરી દેવાયાં હતાં. કોરોનાની પહેલી લહેર જાન્યુઆરી ૨૦૨૧માં ધીમી પડ્યા બાદ માર્ચ ૨૦૨૧માં ફરી આ વાઇરસે માથું ઊંચકતાં મનોરંજન ક્ષેત્રનાં થિયેટરો અને નાટ્યગૃહો ખોલી નહોતાં શકાયાં. 
ગઈ કાલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની ટાસ્ક ફોર્સના સભ્યો, મુખ્ય સચિવ સીતારામ કુંટે, અતિરિક્ત મુખ્ય સચિવ આરોગ્ય ડૉ. પ્રદીપ વ્યાસ તેમ જ ફિલ્મનિર્માતા રોહિત શેટ્ટી, કુણાલ કપૂર, મકરંદ દેશપાંડે, સુબોધ ભાવે, આદેશ બાંદેકર અને નાટ્યક્ષેત્રના મહાનુભાવો સાથે બેઠક થઈ હતી. સ્કૂલ અને મંદિરો ખોલી શકાય તો સિનેમા હૉલ અને થિયેટર કેમ નહીં? એ બાબતે ચર્ચા થયા બાદ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ નવરાત્રિ બાદ એટલે કે ૨૨ ઑક્ટોબરથી થિયેટરો અને નાટ્યગૃહો પરનો પ્રતિબંધ દૂર કરવાની 
માગણીને મંજૂરી આપી હોવાનું જાણવા મળ્યું હતું.
આ બાબતની માહિતી સીએમઓ મહારાષ્ટ્રના ટ્વિટર અકાઉન્ટ દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી હતી. ટ્વીટમાં રાજ્યના થિયેટરો અને નાટ્યગૃહો ૨૨ ઑક્ટોબર બાદથી આરોગ્યના નિયમોનું પાલન કરીને ખોલવાની પરવાનગી આપવામાં આવશે એમ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જાહેર કર્યું છે. આ સંદર્ભે વિસ્તારપૂર્વક એસઓપી તૈયાર કરાઈ રહી છે, જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

mumbai mumbai news maharashtra