29 January, 2026 08:20 AM IST | Baramati | Gujarati Mid-day Correspondent
અજિત પવાર અને કૉન્સ્ટેબલ વિદીપ જાધવનો છેલ્લો ફોટોગ્રાફ
અજિત પવાર સહિત કુલ પાંચ જણનાં પ્લેન-અકસ્માતમાં થયેલાં મોતના સમાચારથી આખા મહારાષ્ટ્રમાં ગમગીની પ્રસરી ગઈ છે. એ અકસ્માત એટલો ભયાનક હતો કે એમાં મૃતદેહોની ઓળખ કરવી બહુ મુશ્કેલ હતું. જોકે અજિત પવાર હંમેશાં હાથમાં ઘડિયાળ પહેરતા અને એ ઘડિયાળના આધારે જ તેમની ઓળખ સ્થાપિત થઈ શકી હતી એવું જાણવા મળ્યું છે. યોગાનુયોગ તેમની પાર્ટી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીનું ચિહ્ન પણ ઘડિયાળ જ હતું.
આ અકસ્માત થયો ત્યારે નજીકમાં જ રહેતા ગામના લોકો મદદે દોડ્યા હતા. એક મહિલાએ એ ઘટનાનું વર્ણન કરતાં કહ્યું હતું કે ‘અમે બધા અમારી ભેંસો પાસે હતા. વિસ્ફોટ બહુ જ મોટો થયો હતો અને એની જ્વાળા પણ લબકારા મારી રહી હતી. એમ છતાં અમે અમારી પાસેની બાલદીઓમાં પાણી ભરીને આગ ઠારવા દોડ્યા હતા. ત્યાં જઈને અમે પાણી તો છાટ્યું, પણ મૃતદેહો વેરવિખેર પડ્યા હતા. એક મૃતદેહમાં માથું ધડથી અલગ થઈ ગયું હતું. અમે બહુ ગભરાઈ ગયા હતા. એમ છતાં અમે એ પછી બ્લૅન્કેટ અને ચાદરો લઈને એના પર ઢાંકી હતી. પોલીસને આવવામાં વાર લાગે એમ હતી. પોલીસ આવી ત્યાં સુધી અમે ત્યાં જ ઊભા હતા.’
પોલીસ ત્યાં પહોંચ્યા પછી ૧૫-૨૦ મિનિટે આગ થોડી કાબૂમાં આવી હતી. મૃતદેહો એટલી હદે દાઝી ગયા હતા કે ચહેરો જોઈને એમની ઓળખ કરવી શક્ય નહોતું. એક મૃતદેહ પૂર્ણપણે બળી ગયો હતો અને ફૂલી ગયો હતો. જોકે એના હાથ પરની ઘડિયાળથી એ મૃતદેહ અજિત પવારનો હોવાનું પોલીસ અને પ્રશાસકીય અધિકારીઓએ ઓળખી કાઢ્યું હતું. તેમનો મૃતદેહ ઓળખી કાઢ્યા પછી પ્રશાસકીય અધિકારી પણ રડી પડ્યા હતા.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પર્સનલ બૉડીગાર્ડ વિદીપ જાધવે પણ પ્લેન ક્રૅશમાં જીવ ગુમાવ્યો હતો. તેના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. વિદીપ જાધવના પરિવારને અને પાડોશીઓને આ સમાચાર જાણીને આઘાત લાગ્યો હતો. પાડોશીઓના જણાવવા મુજબ વિદીપ જાધવ અજિત પવારના બૉડીગાર્ડ તરીકે સેવા આપતો હોવા છતાં ખૂબ વિનમ્ર હતો. ૨૦૦૯ના બૅચમાં તે પોલીસમાં ભરતી થયો હતો. ફરજ બજાવતી વખતે શહીદ થતાં પોલીસ ડિપાર્ટમેન્ટે તેને શ્રદ્ધાંજલિ આપી હતી.