17 February, 2026 08:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજિત પવાર
અજિત પવારના આકસ્મિક મૃત્યુના દિવસે મંત્રાલયમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. અજિતદાદા દ્વારા રાખવામાં આવેલી કેટલીક ફાઇલો પર સાંજે ૪ વાગ્યે સહી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. હવે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ બાબતની ગંભીર નોંધ લીધી છે.
અજિતદાદાના મૃત્યુના દિવસે લઘુમતી વિકાસ વિભાગ દ્વારા ૭૫ શાળાઓને લઘુમતી દરજ્જાનાં પ્રમાણપત્રો (માઇનૉરિટી સ્ટેટસ સર્ટિફિકેટ) આપ્યા હોવાનું જાણવા મળ્યા બાદ હવે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એ સર્ટિફિકેટ્સ સસ્પેન્ડ કરી દીધાં છે. એ ઉપરાંત સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય અધિકારી દ્વારા તપાસ કરાવવા અને દોષીઓ સામે કાર્યવાહી કરવાની સૂચના તેમણે આપી છે.
ગયા વર્ષે ઑગસ્ટથી લઘુમતી દરજ્જાનાં પ્રમાણપત્ર આપવા પર સસ્પેન્શન હતું, પણ અજિત પવારના મૃત્યુના થોડા કલાકોમાં જ મંત્રાલય તરફથી ગુપ્ત રીતે પ્રમાણપત્રોનું ડિસ્ટ્રિબ્યુશન શરૂ થયું હોવાનું જાણવા મળ્યું હતું. ચોંકાવનારી બાબત એ છે કે પહેલું પ્રમાણપત્ર ૨૮ જાન્યુઆરીએ બપોરે ૩.૦૯ વાગ્યે, અજિત પવારના અકસ્માતના દિવસે આપવામાં આવ્યું હતું.
અજિત પવારના પ્લેન-ક્રૅશની ઘટના કાવતરું હોઈ શકે એવી શંકા વ્યક્ત કરનાર અને NCP (SP)ના વિધાનસભ્ય રોહિત પવારે આ સંદર્ભે પત્રકાર પરિષદ બોલાવી સવાલ પણ ઉપસ્થિત કર્યા હતા. એવું જાણવા મળ્યું હતું કે આ પ્લેન-ક્રૅશની તપાસમાં સમય લાગી શકે એમ છે એટલે રોહિત પવાર દિલ્હી પહોંચી ગયા છે. ત્યાં તેઓ એવિયેશન સેક્ટરમાં કામ કરી ચૂકેલા ભૂતપૂર્વ પાઇલટ અને ઑફિસરોને મળી રહ્યા છે એટલું જ નહીં; આ પ્લેન-ક્રૅશની તપાસનો રિપોર્ટ, એ કેસનું સત્ય જલદી લોકો સામે આવે એ માટે તેમણે પ્રાઇવેટ ડિટેક્ટિવની મદદ લીધી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.
રોહિત પવારે આ બાબતે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરીને કહ્યું હતું કે ‘અજિતદાદાના પ્લેન-ક્રૅશની દુર્ઘટનાને આટલો સમય વીતી જવા છતાં ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA) દ્વારા હજી એનો પ્રાથમિક રિપોર્ટ પણ આપવામાં આવ્યો નથી. એટલું જ નહીં, એ પ્લેન જે કંપનીનું હતું એ VSR કંપની સામે પણ કોઈ ઍક્શન લેવામાં આવી નથી. એથી વધુ ને વધુ શંકા થઈ રહી છે. એથી DGCAએ હવે વહેલી તકે ઘટનાનો પ્રાથમિક અહેવાલ આપવો અને કંપની સામે કાર્યવાહી કરવી.’