19 April, 2025 12:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજીત પવાર
મહારાષ્ટ્ર સરકારે રાજ્યની તમામ મરાઠી અને અંગ્રેજી મીડિયમની સ્કૂલોમાં પહેલાથી પાંચમા ધોરણમાં ત્રીજી ભાષા તરીકે હિન્દી ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે એનો મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) અને ઉદ્ધવસેનાના આદિત્ય ઠાકરે જોરદાર વિરોધ કરી રહ્યા છે ત્યારે ગઈ કાલે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે તેમને જવાબ આપ્યો હતો. પુણેના પિંપરી ચિંચવડમાં ગઈ કાલે અજિત પવારે કહ્યું હતું કે ‘હિન્દીને ત્રીજી ભાષા તરીકે અભ્યાસક્રમમાં ફરજિયાત કરવાના સરકારના નિર્ણય વિશે કેટલાક લોકો વિવાદ ઊભો કરી રહ્યા છે. આ લોકો પાસે અત્યારે બીજું કોઈ કામ નથી એટલે નકામો વિરોધ કરી રહ્યા છે. અંગ્રેજી ભાષાનો આખા દેશમાં વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. એવી જ રીતે અનેક રાજ્યમાં હિન્દી ભાષા બોલવામાં આવે છે. મરાઠી, અંગ્રેજી અને હિન્દી આ ત્રણેય ભાષા મહત્ત્વની છે. મહારાષ્ટ્રમાં મરાઠી જ કાયમ પ્રાઇમરી ભાષા રહેશે. મરાઠી ભાષાને વિકાસ થતો જ રહેશે. કેન્દ્ર સરકાર તમામ પ્રાદેશિક ભાષાને પ્રોત્સાહન આપી રહી છે. મરાઠી ભાષાને અભિજાત ભાષાનો દરજ્જો આપવા માટે વર્ષોથી માગણી કરવામાં આવી રહી હતી. નરેન્દ્ર મોદીની સરકારે આ દરજ્જો આપ્યો છે. મુંબઈમાં મરાઠી ભાષા ભવન બનાવવાનું પ્લાનિંગ સરકાર કરી રહી છે. ધોરણ એકથી પાંચ સુધીના અભ્યાસક્રમમાં ત્રીજી ભાષા તરીકે હિન્દી ફરજિયાત કરવામાં કંઈ ખોટું નથી. નાહકનો વિરોધ કરીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.’
દાદરમાં શિવસેનાભવન પાસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ નવું હોર્ડિંગ લગાડ્યું છે જેમાં લખવામાં આવ્યું છે કે અમે હિન્દુ છીએ, હિન્દી નહીં.
ઉલ્લેખનીય છે કે સરકારના નિર્ણયનો શુક્રવારે MNSના અધ્યક્ષ રાજ ઠાકરેએ જોરદાર વિરોધ કરીને કહ્યું હતું કે આ બિલકુલ ચલાવી નહીં લેવાય. રાજ ઠાકરેના વિરોધ બાદ ગઈ કાલે MNSના કાર્યકરોએ ઘાટકોપરમાં વિરોધ-પ્રદર્શન કરીને સરકારના નોટિફિકેશનની નકલને ફાડી હતી.
ગઈ કાલે ઉદ્ધવસેનાના વરલીના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ પણ હિન્દી ભાષાનો વિરોધ કર્યો હતો. તેમણે સરકાર મરાઠી ભાષાનું મહત્ત્વ ઓછું કરી રહી હોવાનો આરોપ કર્યો હતો.