બંગાળના સમુદ્રમાં સાયક્લોન સક્રિય થતાં મહારાષ્ટ્રમાં અલર્ટ

26 September, 2021 11:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યમાં વાવાઝોડું ત્રાટકશે નહીં, પણ જોરદાર હવા સાથે ભારે વરસાદ પડવાની શક્યતા

પ્રતિકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં અત્યારે વિદર્ભ સહિત કેટલાક ભાગમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે એવામાં હવામાન વિભાગે ગઈ કાલે સાયક્લોન અલર્ટ જારી કરી હતી. બંગાળના ઉપસાગરમાં હળવા દબાણનો પટ્ટો તૈયાર થવાથી એની તીવ્રતા વધીને સાયક્લોનમાં પરિવર્તિત થઈ છે. આ સાયક્લોન રાજ્યમાં કોઈ સ્થળે ટકરાશે નહીં, પણ જોરદાર હવા સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે. 
કોલાબા વેધશાળાનાં વરિષ્ઠ હવામાન અધિકારી ડૉ. શુભાંગી ભુતેએ આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે રાજ્યમાં સાયક્લોન ત્રાટકશે નહીં, પણ જોરદાર પવન સાથે કેટલાંક સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી આખા રાજ્યમાં અલર્ટ જારી કરાઈ છે.
હવામાન વિભાગની માહિતી મુજબ આજે સાંજે એટલે કે ૨૬ સપ્ટેમ્બરે સાયક્લોન ઓડિશાના દરિયાઈ કિનારે અને આંધ્ર પ્રદેશમાં ત્રાટકવાની શક્યતા છે. પરિણામે આખા મહારાષ્ટ્રમાં વરસાદનું જોર જોવા મળશે. કેટલાંક સ્થળે તો ભારે-મુશળધાર વરસાદ પડશે.
સોમવાર ૨૭ સપ્ટેમ્બરથી વિદર્ભ, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં કેટલાંક સ્થળે મુશળધાર વરસાદ પડી શકે છે. એટલું જ નહીં, વચ્ચેના ભાગમાં ભારે પવન ફૂંકાશે. કોંકણમાં પણ ૨૬થી ૨૮ સપ્ટેમ્બર દરમ્યાન હવાની ઝડપ વધવાની સાથે મુશળધાર વરસાદની શક્યતા છે.
સામાન્ય રીતે નાગપુર જિલ્લામાં ઓછો વરસાદ થાય છે, પરંતુ આ વર્ષે અહીં ચોમાસાના અંતમાં ૨૫ દિવસથી સતત વરસાદ થઈ રહ્યો હોવાથી અહીં અતિવૃષ્ટિનું સંકટ ઊભું થયું છે. વરસાદ બંધ થઈ રહ્યો ન હોવાથી સોયાબીનની ખેતીને નુકસાન થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

mumbai maharashtra mumbai news mumbai rains