મહારાષ્ટ્રમાં ટ્રાન્સપોર્ટને આધુનિક બનાવવા તમામ RTO ચેકપોસ્ટ બંધ કરવામાં આવશે

12 May, 2025 09:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નૅશનલ ટ્રાન્સપોર્ટના આધુનિકીકરણના ભાગરૂપે મહારાષ્ટ્ર સરકારે તમામ RTO ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે

રાજ્યના ટ્રાન્સપોર્ટપ્રધાન પ્રતાપ સરનાઈક

કેન્દ્ર સરકાર અને ટ્રાન્સપોર્ટ યુનિયનની મહારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ વિભાગને આધુનિક બનાવવાની રજૂઆતને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્ર સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ઈઝ ઑફ ડૂઇંગ ફ્રેમવર્ક મુજબ રાજ્યની બૉર્ડર પર થતા ટ્રાફિક-જૅમ અને રોડ-સેફ્ટીની મુશ્કેલી કાયમ માટે દૂર કરીને પેપરલેસ અને ટેક્નૉલૉજીથી મૉનિટરિંગ કરશે. એમાં રાજ્યની બીજા રાજ્ય સાથેની બૉર્ડર પરની તમામ રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO) ચેકપોસ્ટ દૂર કરવામાં આવશે. 

રાજ્યના ટ્રાન્સપોર્ટપ્રધાન પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે ‘નૅશનલ ટ્રાન્સપોર્ટના આધુનિકીકરણના ભાગરૂપે મહારાષ્ટ્ર સરકારે તમામ RTO ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સંબંધનો પ્રસ્તાવ મંજૂરી મેળવવા માટે મુખ્ય પ્રધાનને મોકલી આપવામાં આવ્યો છે.’ 

ઑલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કૉન્ગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને સલાહકાર બાલ મલકિત સિંહે રાજ્ય સરકારના નિર્ણયને વધાવતાં કહ્યું હતું કે ‘અમે લાંબા સમયથી ટ્રાન્સપોર્ટ વિભાગમાં જરૂરી ફેરફાર કરવાની માગણી કરીએ છીએ એને સરકારે ધ્યાનમાં લીધી છે એટલે આ નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. આનાથી ચેકપોસ્ટ પર થતી ટ્રાફિક-જૅમની સમસ્યા દૂર થવાની અને રસ્તાની સેફ્ટીમાં વધારો થવાની સાથે ભ્રષ્ટાચાર ઓછો થશે.’

mumbai news mumbai maharashtra news maharashtra mumbai traffic