રેડ કાર્પેટ રાહ જોઈ શકે છે, પણ અત્યારે નેશન ફર્સ્ટ

17 May, 2026 08:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમૃતા ફડણવીસે ફ્રાન્સના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જવાનું માંડી વાળ્યું

ચીફ મિનિસ્ટરનાં વાઇફની સાઇકલસવારી

બિનજરૂરી વિદેશયાત્રા ટાળવા, ઈંધણનો વપરાશ ઓછો કરવા અને સોનું ન ખરીદવા માટેની નરેન્દ્ર મોદીની અપીલ બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસે શનિવારે જાહેરાત કરી હતી કે આમંત્રણ મળ્યા છતાં હું આ વર્ષે ફ્રાન્સના પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી નહીં આપું. તેમણે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે  રેડ કાર્પેટ રાહ જોઈ શકે છે, પણ અત્યારે નેશન ફર્સ્ટ.   

સોશ્યલ મીડિયા પર શૅર કરાયેલા એક નિવેદનમાં અમૃતા ફડણવીસે ખુલાસો કર્યો હતો કે તેમને આંતરરાષ્ટ્રીય પ્લૅટફૉર્મ પર મહારાષ્ટ્રના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરવા માટે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ‘આ કાર્યક્રમની તૈયારી પહેલાંથી જ પૂર્ણ થઈ ગઈ હતી જેમાં યેવલાથી ખાસ પૈઠણી સાડી બનાવવાનો સમાવેશ છે. ખાસ કરીને એ સાડી આ પ્રસંગ માટે ત્રણ મહિના દરમ્યાન કારીગરો પાસે હાથ વડે બનાવડાવી હતી. પરંપરાગત પૈઠણી સાડી મહારાષ્ટ્રની સંસ્કૃતિ, કારીગરી અને કલાત્મક વારસાનું પ્રતીક છે અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં વૈશ્વિક પ્રેક્ષકો સમક્ષ રાજ્યના આ વારસાને પ્રદર્શિત કરવાનો હતો.’

અમૃતા ફડણવીસે કહ્યું હતું કે ‘કારીગરો અને ડિઝાઇનરો દ્વારા પોશાક તૈયાર કરવામાં રોકાણ કરાયેલા પ્રયત્નો, સમર્પણ અને સમયને ધ્યાનમાં રાખીને આ નિર્ણય ઇમોશનલી રીતે મુશ્કેલ હતો છતાં રાષ્ટ્રીય હિત અને સામૂહિક જવાબદારી વ્યક્તિગત આકાંક્ષાઓ અને આંતરરાષ્ટ્રીય દેખાવથી ઉપર રહે છે.’

ચીફ મિનિસ્ટરનાં વાઇફની સાઇકલસવારી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈંધણ બચાવવાની અપીલ કરી ત્યાર બાદ લોકો સુધી એ સંદેશ પહોંચાડવા ગુરુવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કારના કાફલા સાથે જવાને બદલે બુલેટ પર સવાર થયા હતા. એ પછી શુક્રવારે તેમનાં પત્ની અમૃતા ફડણવીસે પણ મલબાર હિલમાં સાઇકલસવારી કરીને ઈંધણ બચાવવાની અપીલ કરી હતી. 

mumbai news mumbai amruta fadnavis devendra fadnavis cannes film festival maharashtra news maharashtra