દાદરમાં ગુજરાતી વેપારીની ગાર્મેન્ટ કંપનીમાં ડબલ કૌભાંડ

03 May, 2026 07:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કર્મચારીએ ડ્રેસ ચોરવાની સાથે ધંધાનો ગોપનીય ડેટા પણ ચોરીને બીજાને ફૉર્વર્ડ કર્યો

પ્રતીકાત્મક તસવીર

દાદર-વેસ્ટના ભવાની શંકર રોડ પર આવેલી મહિલાઓ માટેની જાણીતી ગાર્મેન્ટ કંપનીના ૫૩ વર્ષના ગુજરાતી વેપારીએ ગઈ કાલે ત્રણ લોકો સામે દાદર પોલીસ-સ્ટેશનમાં પોતાની દુકાનમાં થયેલી કપડાં અને ડેટાચોરીની ફરિયાદ નોંધાવી હતી. વેપારીએ દુકાનના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસતાં જાણવા મળ્યું હતું કે તેમને ત્યાં કામ કરતો એક કર્મચારી મહિલાઓના ડ્રેસ ચોરી જતો હતો. ત્યાર બાદ તેને છટકું ગોઠવીને ઝડપી લેવામાં આવ્યો હતો. તેણે દુકાનમાંથી ૫૦ જેટલા મોંઘા ડ્રેસ ચોર્યા હોવાની કબૂલાત કરી છે. એટલું જ નહીં, આરોપીએ કંપનીનો મહત્ત્વનો ડેટા પણ કંપનીના બે ભૂતપૂર્વ કર્મચારીઓને આપ્યો હોવાની કબૂલાત કરી હતી. આ સમગ્ર મામલે પોલીસે ત્રણેય આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે.

દાદર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દાદરમાં ગોડાઉન અને દુકાન ધરાવતા ગાર્મેન્ટના વેપારી પોતાના મોબાઇલમાં દુકાન અને ગોડાઉનમાંના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસી રહ્યા હતા ત્યારે તેમની પાસે વર્ષોથી કામ કરતો કર્મચારી દુકાનમાંથી ડ્રેસ લઈ જતો દેખાયો હતો. તેના પર શંકા જતાં ૧૦ ફેબ્રુઆરીથી ૩૦ એપ્રિલ સુધીનાં ફુટેજ તપાસતાં તેણે ૫૦ ડ્રેસ ચોર્યા હોવાનું જણાયું હતું. ત્યાર બાદ તેમણે કર્મચારીને રંગેહાથ પકડીને તેની પૂછપરછ કરી ત્યારે તેણે ચોરીની કબૂલાત કરી હતી. દરમ્યાન તેણે પોતાના ઈ-મેઇલ આઇડીથી કંપનીના બે ભૂતપૂર્વ કર્મચારીઓને કંપનીના સપ્લાયર્સ, ગ્રાહકો, ખરીદી-વેચાણના દર, નવા ડિઝાઇનના ફોટો તેમ જ કર્મચારીઓની વ્યક્તિગત વિગતો મોકલી હોવાનું પણ જણાયું હતું. આરોપીએ કંપનીના અલગ-અલગ વિભાગનાં કમ્પ્યુટરના પાસવર્ડ મેળવીને માહિતી ચોરીને ઈ-મેઇલ તથા વૉટ્સઍપ મારફત બહાર મોકલી હોવાનું કબૂલ્યું છે. આ મામલે ડિજિટલ પુરાવા, ઈ-મેઇલ ટ્રેલ અને અન્ય ટેક્નિકલ વિગતોના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.’

mumbai news mumbai dadar mumbai police maharashtra news maharashtra Crime News mumbai crime news