09 November, 2026 02:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બાઇક પર બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ જઈ રહેલા દંપતીને કાર દ્વારા ઉડાવી દેવામાં આવ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે અને આ મામલે અંધેરી પોલીસ દ્વારા ગુનો નોંધીને ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજની ચકાસણી કરીને આરોપી ડ્રાઇવરને પકડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
શુક્રવારે સવારે ૮ વાગ્યે કાંદિવલીમાં રહેતા પોતાના ઘરેથી બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં આવેલી બૅન્કમાં જવા નીકળેલા બૅન્કર દંપતીને અંધેરી પાસે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત નડ્યો હતો. કાળા રંગની એક કારે ૩૧ વર્ષની અદિતિ પ્રભુ અને ૨૯ વર્ષના સર્વેશની બાઇકને ટક્કર મારી હતી અને પછી બન્ને જણ ઘાયલ થઈને પડ્યા હોવાનું જણાયા છતાં ડ્રાઇવર કારમાં ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
પોલીસે જણાવ્યા મુજબ સર્વેશને બન્ને હાથમાં તથા જમણા ઘૂંટણમાં ઈજા થઈ છે, તેની પત્ની અદિતિને તેના જમણા હાથના કાંડામાં ઈજા થઈ છે. પોલીસે આ મામલે અજાણ્યા કાર-ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધી તેને શોધવાના પ્રયાસ શરૂ કર્યા છે. જોકે હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.