✕

અંધેરીની કન્ટ્રી ક્લબનું ફૂડ-લાઇસન્સ સસ્પેન્ડ

06 October, 2026 10:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં FDAની ૮ એકમો સામે તવાઈ : પાર્લામાં બ્લિન્કિટનું લાઇસન્સ રદ, અંધેરીમાં સૂરજ લામા મોમોસનું લાઇસન્સ સસ્પેન્ડ

અંધેરી-વેસ્ટની કન્ટ્રી ક્લબના કિચનમાં જોવા મળેલી ગંદકી.

આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા સમગ્ર રાજ્યમાં મોટા પાયે દરોડાની અને કડક કાર્યવાહીની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત મુંબઈમાં ૮ જેટલા ખાદ્ય એકમો સામે પગલાં લેવામાં આવ્યાં છે, જેમાં ૩ એકમોનાં ફૂડ-લાઇસન્સ કાયમ માટે રદ કરવામાં આવ્યાં છે અને પાંચ એકમોનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ સાથે જ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન ​રિપોર્ટ (FIR) નોંધીને ૨.૨૨ કરોડ રૂપિયાનો પ્રતિબંધિત ખાદ્ય-જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 

પહેલી ઑક્ટોબરથી પાંચમી ઑક્ટોબર દરમ્યાન હાથ ધરાયેલી રાજ્યવ્યાપી કાર્યવાહીમાં કુલ ૧૫ FIR નોંધવામાં આવ્યા છે અને ૨૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત ગંભીર ક્ષતિઓ ધરાવતા ૬ એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે તેમ જ ગેરકાયદે હેરફેરમાં વપરાતાં ૬૭.૬૦ લાખ રૂપિયાની કિંમતનાં પાંચ વાહનો પણ જપ્ત કરવામાં આવ્યાં છે.

મુંબઈ શહેરમાં હાથ ધરાયેલી કાર્યવાહીમાં ૩ એકમોનાં ફૂડ-લાઇસન્સ રદ કરી દેવાયાં છે. એમાં વિલે પાર્લેસ્થિત ક્વિક-કૉમર્સ પ્લૅટફૉર્મ બ્લિન્કિટ, વિલે પાર્લેની જ કોપનહેગન હૉસ્પિટૅલિટી અને બાંદરા-વેસ્ટની ઈટક્લબ્સનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત તપાસ દરમ્યાન સ્વચ્છતા, ખાદ્ય પદાર્થોની જાળવણી, સંગ્રહ અને દૂષિત થવાથી રોકવા માટેનાં ધોરણોમાં ગંભીર ખામીઓ મળી આવતાં અન્ય પાંચ એકમોનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ એકમોમાં કાલિનાસ્થિત કૅફે સુલતાન, મરોલસ્થિત લો ફ્રેશ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ, અંધેરીની કન્ટ્રી ક્લબ તથા સૂરજ લામા મોમોસ અને સાંતાક્રુઝની કૅફે પાકીઝા સામેલ છે.

mumbai news mumbai andheri food and drug administration tukaram mundhe