અંધેરીથી નેહા એકલી જ દુબઈ મૅચ જોવા પહોંચી છે

24 October, 2021 08:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નેહા જૈને દુબઈથી ‘મિડ-ડે’ સાથે વાત કરી

દુબઈ મૅચ જોવા પહોંચેલી મુંબઈની નેહા જૈને તેની આ તસવીર ‘મિડ-ડે’ને દુબઈથી મોકલી છે

ભારત-પાકિસ્તાન વચ્ચે આજે રમાનારા હાઈ-વૉલ્ટેજ ક્રિકેટ-મુકાબલામાં મુંબઈથી એકલી દુબઈ પહોંચેલી અંધેરીની નેહા જૈને દુબઈથી ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘ભારત-પાકિસ્તાનની આ મૅચને લઈને હું બહુ જ ઉત્સુક છું. હું ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા અહીં આવી છું અને ભારત આ મૅચ જીતશે જ.’

નેહાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ક્રિકેટ મારી ફેવરિટ ગેમ છે અને હું ક્રિકેટની દીવાની છું. ભારત-પાકિસ્તાન વચ્ચે ઘણાં વર્ષ પછી આ મૅચ રમાશે ત્યારે મેં સ્ટેડિયમમાં બેસીને ભારત-પાકિસ્તાન વચ્ચેની મૅચ જોઈ નથી અને મને આ મૅચ જોવાનો ચાન્સ મળ્યો એ હું કેમ મિસ કરી શકું? ભારતની ટીમને હું સપોર્ટ કરવા અહીં આવી છું અને ભારત જ આ મૅચ જીતવાનું છે. સ્ટેડિયમમાં મૅચ પહેલાં આપણું રાષ્ટ્રગીત ‘જન ગણ મન...’ ગવાશે એ સાંભળવું અને ગાવું મને ગમશે. એ સમયનો માહોલ કંઈક અગલ જ હોય છે. સ્ટેડિયમમાં ઢોલ વાગતા હોય અને ટીમ ઇન્ડિયાને બધા ચિયર-અપ કરતા હોય એ લાઇવ જોવાની મજા કંઈક અલગ જ હોય છે. હું ભારત આર્મીના બીજા મિત્રો સાથે બેસીને આ મૅચ જોવાની છું. ભારત આર્મી ગ્રુપ ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરે છે. આ ગ્રુપ ક્રિકેટ ફૅન ગ્રુપ છે.’

mumbai mumbai news india pakistan wt20 world t20