15 February, 2026 07:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચૅમ્પિયન ટ્રોફી સાથે આરા સુપર લાયન્સ ટીમ
શ્રી કનકેશ્વરી સ્પોર્ટ્સ ઍન્ડ કલ્ચરલ એજ્યુકેશનલ ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં કાંદિવલી-વેસ્ટના પોઇસર જિમખાનામાં યોજાયેલી નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ સમાજના જ્ઞાતિજનો માટેની ક્રિકેટ ટુર્નામેન્ટ ઉનેવાળ પ્રીમિયર લીગ (UPL) ૨૦૨૬માં આરા સુપર લાયન્સ ટીમ ચૅમ્પિયન બની હતી. રોમાંચક અને થ્રિલર ફાઇનલ જંગમાં તેમણે રાઇઝિંગ રાજ્યગોરને ૪ રનથી પરાજિત કરી હતી. રોમાંચક લીગ રાઉન્ડ, ક્વૉર્ટર ફાઇનલ અને સેમી-ફાઇનલમાં શાનદાર પર્ફોર્મ કરતાં આરા સુપર લાયન્સ અને રાઇઝિંગ રાજ્યગોર ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ૬-૬ ઓવરના ફાઇનલ જંગમાં આરા સુપર લાયન્સે પ્રથમ બૅટિંગ કરતાં કરણ શાહના અણનમ ૨૬, સુમિલ ઓઝાના અણનમ ૨૪ અને સંદીપ ઠાકરના ૨૦ રનના ઉપયોગી યોગદાનની મદદથી એક વિકેટે ૭૩ રન બનાવ્યા હતા. જવાબમાં રાઇઝિંગ રાજ્યગોર પ્રકાશ મહેતાના ૨૩ બૉલમાં ૫૧ રનની શાનદાર ઇનિંગ્સ છતાં ૬ ઓવરના અંતે ૪ વિકેટે ૬૯ રન બનાવી શકી હતી અને માત્ર ૪ રનથી હાર જોવી પડી હતી.
ક્લોઝિંગ સેરેમનીમાં આરા સુપર લાયન્સના સુમિલ ઓઝા (પાંચ મૅચમાં ૯ વિકેટ)ને બેસ્ટ બોલર અને રાઇઝિંગ રાજ્યગોરના પ્રકાશ મહેતાને (પાંચ મૅચમાં ૧૦૧ રન)ને બેસ્ટ બૅટર તેમ જ ચૅમ્પિયન આરા સુપર લાયન્સના સુમિલ ઓઝા (૯૮ રન અને ૯ વિકેટ)ને પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.
સુમિલ ઓઝા કેરલાથી અને પ્રકાશ મહેતા રાજુલાથી દર વખતે આ બે દિવસીય ટુર્નામેન્ટ રમવા ખાસ મુંબઈ આવે છે અને તેમના પર્ફોર્મન્સ વડે જ્ઞાતિજનોનાં દિલ જીતી લે છે.
અન્ડર-15 બૉય્ઝ ટુર્નામેન્ટને બે કૅટેગરીમાં રમાડવામાં આવી હતી. અન્ડર-12 અને
અબોવ-12 જેમાં અન્ડર-12માં JMD ઇલેવન અને અબોવ-12માં કિંગ્સ ઇલેવન ટીમ ચૅમ્પિયન બની હતી.