અજબ પ્રેમ કી ગજબ કહાની

17 September, 2021 08:10 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

ગુજરાતી યુવતી અને તેના યુએસ રહેતા મંગેતર બન્નેનો ગઈ કાલે બર્થ-ડે હોવાથી જયમિન શાહ ફિયાન્સે જિનલ શાહને બર્થ-ડેની સરપ્રાઇઝ આપવા કોવિડકાળમાં પણ શિકાગોથી કાંદિવલી પહોંચીને સાથે જન્મદિવસ મનાવ્યો

યુએસથી જયમિને અચાનક કાંદિવલી પહોંચી જિનલ અને તેના પરિવારને સરપ્રાઇઝ આપીને જન્મદિવસ ઊજવ્યો હતો.

કાંદિવલી-ઈસ્ટમાં સ્ટેશન રોડ પાસે આવેલા મંગલ અપાર્ટમેન્ટમાં રહેતી વૈષ્ણવ સમાજની ૨૭ વર્ષની યુવતી જિનલ શાહની ફેબ્રુઆરી મહિનામાં જ યુએસમાં રહેતા અને મૂળ અમદાવાદના ૨૭ વર્ષના જયમિન શાહ સાથે સગાઈ થઈ હતી. ૧૬ સપ્ટેમ્બરે એટલે કે ગઈ કાલે બન્નેનો એકસાથે જન્મદિવસ હતો. ફિયાન્સેનું સપનું હતું કે તે જયમિન સાથે મુંબઈમાં એક વખત ફરે. બસ, પછી શેની રાહ જોવાની હતી. રાતના ૧૨ વાગ્યે જન્મદિવસની ઉજવણી કરવા જયમિન છેક બાવીસ કલાકની મુસાફરી કરીને સીધો કાંદિવલી પહોંચી ગયો હતો. રાતે ૧૨ વાગવાના હતા એ પહેલાં જયમિને ઘરે પહોંચીને બધાને ચોંકાવી નાખ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોવિડકાળમાં યુએસથી મુંબઈ આવવું થોડું મુશ્કેલભર્યું છે. એમ છતાં મિત્રોની મદદથી ૨૪ કલાકમાં કોવિડ ટેસ્ટનો રિપોર્ટ મેળવીને તે મુંબઈ પહોંચ્યો હતો. હા, એક વાત પણ ઉમેરવા જેવી છે કે બન્નેના જન્મદિવસ એકસાથે છે અને એની સાથે બન્નેના જન્મદિવસમાં પણ ફક્ત એક કલાકનો જ તફાવત છે.
    મારું સપનું હતું કે જયમિન એક વખત મુંબઈ આવે અને મારી સાથે મુંબઈ ફરે એ તેમણે કરી દેખાડ્યું એમ કહેતાં જિનલ શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમારા સંબંધીઓએ ઓળખાણ કરાવી અને ફેબ્રુઆરીમાં અમારી સગાઈ અમે અમદાવાદમાં કરી હતી. જયમિન ઘણાં વર્ષોથી પરિવાર સાથે શિકાગોમાં રહે છે. ગઈ કાલે અમારા બન્નેનો જન્મદિવસ હતો. મારી સાથે ફોન પર સતત વાત કરી છતાં મને ખબર જ ન પડી તે પ્લેનમાં સફર કરીને મુંબઈ આવે છે. જયમિન ક્યારેય મુંબઈ આવ્યા નથી. એથી મેં તેમને કહ્યું હતું કે મારી ઇચ્છા છે કે તમે એક વખત મુંબઈ આવો અને ત્યાર બાદ આપણે અહીં ફરીએ. તેમણે અચાનક જ બુધવારે રાતે સાડાઅગિયાર વાગ્યાની આસપાસ આવીને ઘરે બેલ વગાડી ત્યારે જોયું તો જયમિન. પહેલી વખતમાં તો વિશ્વાસ ન આવ્યો, પરંતુ ઘરની અંદર આવ્યા બાદ વિશ્વાસ બેઠો હતો. બુકે, ફોટો, રિંગ, ઍપલ હેડફોન એવી અનેક સરપ્રાઇઝ સાથે તે કેક પણ લાવ્યા હતા. મને કે મારા પેરન્ટ્સ કોઈને તેઓ આવશે એની જાણ નહોતી.’
    શિકાગોમાં રહેતા સૉફ્ટવેર ડેવલપર જયમિન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારો બન્નેનો જન્મદિવસ એકસાથે છે એ પણ એક સરપ્રાઇઝ અમારા માટે હતી. જવાનું કંઈ નક્કી નહોતું ,પણ લૅપટૉપ પર બેસીને ફક્ત ટિકિટ ચેક કરી રહ્યો હતો ત્યારે યુએસથી મુંબઈ આવતી એક સારી ફ્લાઇટ દેખાઈ એટલે અચાનક જ જિનલને સરપ્રાઇઝ આપવાનું નક્કી કરી લીધું હતું. જોકે કોવિડ છે એટલે તો એનો રિપોર્ટ હોવો જરૂરી છે. એટલે યુએસના મારા મિત્રોની મદદ લીધી અને જેમ-તેમ કરીને ૨૪ કલાકમાં રિપોર્ટ મેળવ્યો હતો. નહીં તો રિપોર્ટ માટે બે દિવસની રાહ જોવી પડી હોત. જિનલના બર્થ-ડેના દિવસે મુંબઈ ફરવાનું તેનું સપનું પૂરું કરવા બધી મુશ્કેલીઓ એક બાજુએ મૂકીને મુંબઈ આવ્યો છું. આજે કાંદિવલીમાં કોવિડની ટેસ્ટ કરાવીને ફરી યુએસ જતો રહીશ.’

Mumbai mumbai news kandivli chicago preeti khuman-thakur