07 April, 2026 07:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંજલિ દમણિયા
મહિલાઓ પર જાતીય અત્યાચાર કરનાર ભોંદુબાબા અશોક ખરાતના કેસમાં તેના કૉલ ડીટેલ રેકૉર્ડ (CDR) મેળવ્યા હોવાનો દાવો કરનાર સામાજિક કાર્યકર અંજલિ દમણિયાએ તેમને એ ડેટા ખાનગી ડિટેક્ટિવ હોવાનો દાવો કરતી વ્યક્તિ પાસેથી વૉટ્સઍપ પર મળ્યા હતા એમ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘ડેટા મેળવવા મેં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ – લાર્જ લૅન્ગ્વેજ મૉડલ (AI–LLM) ક્લાઉડનો ઉપયોગ કરીને જાણ્યું કે અશોક ખરાતના મોબાઇલ ફોન પરથી કઈ વ્યક્તિને કેટલા કૉલ આવ્યા હતા. હું ક્યારેય કોઈ ગેરકાયદે કામ નથી કરતી. અધિકારીઓ સાથે માહિતી શૅર કરતાં પહેલાં મેં AI ટૂલ દ્વારા એક્સેલ ડેટાની ચકાસણી કરી લીધી હતી.’
અશોક ખરાતને મળેલા smsની પૅટર્ન સામાન્ય નથી, અજિત પવારના મૃત્યુ સાથે કનેક્શન હોઈ શકે : અંજલિ દમણિયા
અશોક ખરાતના સમતા ક્રેડિટ કો-ઑપરેટિવ સોસાયટીમાંના વ્યવહારો સાથે જોડાયેલા smsમાં અજિત પવાર સાથે સંકળાયેલા અકસ્માત વખતે અસામાન્ય વધારો જોવા મળ્યો હતો એમ જણાવતાં અંજલિ દમણિયાએ વધુમાં દાવો કર્યો હતો કે ૨૮ જાન્યુઆરીએ વિમાન-દુર્ઘટનામાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું મૃત્યુ થયું હતું. ૧૭ જાન્યુઆરીએ ૧૭ sms, ત્યાર બાદ બીજા દિવસે ૧૯ sms અને એ પછીના દિવસોમાં ઘણા વધુ sms મળ્યા હતા જે સામાન્ય પૅટર્ન નથી. એ sms અશોક ખરાતના ખાતામાં ડિપોઝિટ અથવા વિધડ્રૉઅલ્સ બતાવે છે. તપાસ-એજન્સીઓને આ વ્યવહારની વિગતો શોધવા તેમણે વિનંતી કરી હતી. તેમણે એવી આશંકા દર્શાવી હતી કે અશોક ખરાતના આ ફાઇનૅન્શિયલ ટ્રાન્ઝૅક્શન્સ અને અજિત પવારના મૃત્યુની ઘટના વચ્ચે સંભવિત જોડાણ હોઈ શકે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો સંપર્ક કરવાનો કોઈ અર્થ નથી: અંજલિ દમણિયા
અંજલિ દમણિયાએ વધુમાં કહ્યું હતું કે ‘આ મુદ્દે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો સંપર્ક કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે તેઓ ફક્ત રાજકારણમાં જ વ્યસ્ત છે. તેઓ પોતાની સુવિધા મુજબ રાજકારણ કરે છે. પાર્થ પવારના મુંઢવા જમીનકેસમાં તેઓ લગભગ ત્રણ મહિના સુધી રિપોર્ટ પર બેઠા રહ્યા અને એ બજેટસત્રના છેલ્લા દિવસે રજૂ કરવામાં આવ્યો હતો. આ લોકો ફક્ત રાજકારણ કરે છે, તેમને મળવાનો કોઈ અર્થ નથી. મારી આશા ફક્ત ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ સદાનંદ દાતે પર છે.’
EDએ અશોક ખરાત સામે કર્યો મની-લૉન્ડરિંગનો કેસ દાખલ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ સ્વયંઘોષિત ગૉડમૅન અશોક ખરાત સામે મની-લૉન્ડરિંગનો કેસ નોંધ્યો છે અને ટૂંક સમયમાં તેની પૂછપરછ કરવામાં આવશે એવું અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું. EDની મુંબઈ ઝોનલ ઑફિસે પ્રિવેન્શન ઑફ મની-લૉન્ડરિંગ ઍક્ટ (PMLA)ની વિવિધ કલમો હેઠળ એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફર્મેશન રિપોર્ટ (ECIR) દાખલ કર્યો છે. EDએ નાશિકમાં ખરાત સામે મહારાષ્ટ્ર પોલીસે દાખલ કરેલા અનેક ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR)ની નોંધ લીધી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેની સાથે જોડાયેલી અન્ય વ્યક્તિઓની પણ ED દ્વારા ટૂંક સમયમાં પૂછપરછ કરવામાં આવશે.