31 March, 2026 08:27 AM IST | Nashik | Gujarati Mid-day Correspondent
અશોક ખરાત
રાજ્યભરમાં ગાજેલા ફેક શાલાર્થ આઇડી કાર્ડ કૌભાંડમાં પણ હવે અશોક ખરાતનો રોલ હોઈ શકે છે એવી શંકા છે. અશોક ખરાતે ૨૦૨૨માં રાજ્યના સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર દીપક કેસરકરની ઓળખાણનો લાભ લઈને પોતાના ભાઈ દિલીપ ખરાત માટે એ ફેક શાલાર્થ આઇડી કાર્ડ મેળવ્યું હોવાનો આરોપ થઈ રહ્યો છે.
દિલીપ ખરાત સિન્નર તાલુકાના બારાગાવ પિંપરીની ન્યુ ઇંગ્લિશ સ્કૂલ ઍન્ડ જુનિયર કૉલેજમાં ટીચર છે. જોકે તેમને મળેલું શાલાર્થ આઇડી સાચું છે કે ખોટું એના પર હવે સવાલ થઈ રહ્યા છે. આ પ્રકરણમાં રાજકીય હસ્તક્ષેપ થયાનો અને અશોક ખરાતે કરેલા દબાણને કારણે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે કેટલીક ફાઇલો પાસ કરી હોવાનો પણ આરોપ થઈ રહ્યો છે. હવે આ કેસની પણ તપાસ થાય એવી શક્યતા છે.
સરકાર તરફથી બોનાફાઇડ શિક્ષકોને ચૂકવવામાં આવતા પગાર માટે શાલાર્થ આઇડી (આઇડેન્ટિટી કાર્ડ) આપવામાં આવ્યાં હતાં. જોકે ત્યાર બાદ થયેલા એ કૌભાંડમાં અનેક બનાવટી શિક્ષકો અને સ્ટાફને એ શાલાર્થ આઇડી કાર્ડ ઇશ્યુ કરાયાં હતાં. એ કૌભાંડનો વ્યાપ ૧૫૦ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો હતો. ૨૦૨૫માં એ કૌભાંડના કેસમાં બનાવટી આઇડી બનાવવા બદલ નાગપુર અને નાશિકમાંથી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના અનેક પદાધિકારીઓ જેમાં ડિવિઝનલ ડેપ્યુટી ડિરેક્ટરનો પણ સમાવેશ હતો તેની ધરપકડ કરવામાં આવી હતી.