પ્રસાદના નામે જૈન વેપારીઓને માછલી ખાવા દબાણ કરતો હતો અશોક ખરાત

02 April, 2026 08:14 AM IST  |  Nashik | Gujarati Mid-day Correspondent

૧૦૦થી વધુ ફરિયાદ મળી એને પગલે SITએ ૩૫૦૦ લિન્ક સોશ્યલ મીડિયા પરથી હટાવી

અશોક ખરાત

અશોક ખરાતની તપાસ દરમ્યાન એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે જ્યાં તેણે ધાર્મિક અને ભાવનાત્મક સ્તરે લોકોનું શોષણ કરીને છેતરપિંડી કરી હતી. ખાસ કરીને શાકાહારી લોકો પાસેથી પૈસા પડાવવા માટે તેમને ગેરમાર્ગે દોરતો હતો અને પ્રસાદના નામે જૈન વેપારીઓને માછલી ખાવા માટે દબાણ કરતો હતો. માછલી ફક્ત પાણીમાં ઊગતો એક છોડ છે, માછલીને હાડકાં નથી હોતાં અને કાપીએ તો લોહી પણ નીકળતું નથી એમ કહીને તેણે અનેક શાકાહારી લોકોને અંધશ્રદ્ધાના નામે છેતર્યા હતા.

દરમ્યાન નાશિકની મૅજિસ્ટ્રેટ કોર્ટે બુધવારે બળાત્કારના આરોપી લંપટ જ્યોતિષી અશોક ખરાતને ૧૪  દિવસની જુડિશ્યલ કસ્ટડીમાં મોકલ્યો છે. બળાત્કાર અને ખંડણીના આરોપસર પકડાયેલા અશોક ખરાતને તપાસ માટે ૩ વાર પોલીસ-કસ્ટડી લંબાવ્યા બાદ બુધવારે જુડિશ્યલ કસ્ટડી માટે નાશિક રોડની સેન્ટ્રલ જેલમાં મોકલાયો હતો. જોકે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસ ચાલુ હોવાથી ખંડણીના કેસ માટે તેને જુડિશ્યલ કસ્ટડી અપાઈ હતી અને બળાત્કારના કેસ માટે ફરી તેને SITને સોંપવામાં આવ્યો હતો. આજે ફરીથી નવા કેસ માટે તેને કોર્ટમાં હાજર કરીને પોલીસ-કસ્ટડી મેળવાય એવી શક્યતા છે.

૩૫ વર્ષની એક મહિલાએ ૩ વર્ષ સુધી વારંવાર બળાત્કારનો આરોપ લગાવ્યા બાદ ૧૮ માર્ચે અશોક ખરાતની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ અત્યાર સુધીમાં તેના પર ૧૦ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાઈ ગયા છે, જ્યારે SITને ખરાતના મહિલાઓ સાથેના વિડિયો બાબતે ફોન પર ૧૦૦થી વધુ ફરિયાદો મળી છે. એને પગલે તેનો ભોગ બનનારી મહિલાઓને અપમાનથી બચાવવા SITએ ૩૫૦૦થી વધુ લિન્ક સોશિયલ મીડિયા પરથી હટાવી છે.

મંગળવારે SITની ટીમે અશોક ખરાતના પુત્ર હર્ષવર્ધનને કર્મયોગીનગરના તેના ઘરેથી પૂછપરછ માટે અટકાયતમાં લીધો હતો. શિર્ડીમાં જમીનના ગોટાળા બાબતે કેસ નોંધીને પૂછપરછ બાદ તેને રાત્રે છોડી દેવામાં આવ્યો હતો, જ્યારે અશોક ખરાતની પત્નીની શોધખોળ ચાલી રહી છે.

ચાર જુદા-જુદા મોબાઇલ નંબરનું નેટવર્ક

SITની તપાસમાં બહાર આવ્યું છે કે અશોક ખરાત એક મોબાઇલ નંબરનો ઉપયોગ ફક્ત VIP માટે જ કરતો હતો, બીજા નંબરનો ઉપયોગ ચોક્કસ ભક્તો અને મહિલાઓ માટે કરવામાં આવતો હતો, ત્રીજા નંબરનો ઉપયોગ નાણાકીય વ્યવહારો માટે કરવામાં આવતો હતો અને ચોથો નંબર સામાન્ય લોકો માટે વપરતો હતો. આ રીતે તે પોતાનો બધો ડેટા પણ જુદો-જુદો રાખતો હતો.

અશોક ખરાતે અજિત પવારના ફોટો પર ચોકડી મારી : રોહિત પવારની સનસનાટીભરી પોસ્ટ

સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને રોહિત પવારે દાવો કર્યો હતો કે અશોક ખરાતે અજિત પવાર સહિત અન્ય એક નેતાના ફોટો પર ચોકડી મારીને ચોક્કસ કોઈ મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો હતો. આ બાબતે સત્ય બહાર આવવું જોઈએ એવું રોહિત પવારે તેની પોસ્ટમાં જણાવ્યું હતું.

mumbai news mumbai nashik maharashtra government maharashtra news maharashtra sexual crime ashok kharat case jain community