`સંભાજીનગર`ના નામે ઓળખાશે ઔરંગાબાદ, મહારાષ્ટ્ર સરકારે બદલ્યું ઉસ્માનાબાદનું નામ

29 June, 2022 07:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કેબિનેટે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટનું નામ બદલીને સ્વર્ગીય ડી.બી. પાટિલ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ રાખવાને પણ સ્વીકૃતિ આપી દીધી છે.

ફાઈલ તસવીર

ભલે મહારાષ્ટ્રની મહા વિકાસ આધાડી સરકાર ખૂબ જ નાજુક સમયમાંથી પસાર થઈ રહી છે. પણ તેમ છતાં બુધવારે મહારાષ્ટ્ર કેબિનેટના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં રાજ્યના ઔરંગાબાદ શહેરનું નામ `સંભાજીનગર` તેમજ ઉસ્માનાબાદ શહેરનું નામ `ધારાશિવ` રાખવાને પરવાનગી આપી દીધી છે. આ સિવાય, કેબિનેટે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટનું નામ બદલીને સ્વર્ગીય ડી.બી. પાટિલ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ રાખવાને પણ સ્વીકૃતિ આપી દીધી છે.

ઔરંગાબાદનું નામ મુગલ બાદશાહ ઔરંગઝેબના નામે તે સમયે રાખવામાં આવ્યું હતું, જ્યારે તે આ ક્ષેત્રનો ગવર્નર હતો, અને આ શહેરનું નામ બદલવાની માગ શિવસેના ઘણાં સમયથી કરી રહી હતી. ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કરવામાં આવ્યું છે, જે છત્રપતિ શિવાજી મહારાજના સૌથી મોટા દીકરા હતા. નોંધનીય છે કે શિવસેનાનું નામ પણ છત્રપતિ શિવાજી મહારાજના નામે જ રાખવામાં આવ્યું છે.

CM ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં કેબિનેટે એ પણ નિર્ણય લીધો છે કે રાજ્ય માટે ટૂંક સમયમાં જ અનુસંધાન અને પ્રસંસ્કરણ નીતિ લાગુ પાડવામાં આવશે તેમજ હિંગોલી જિલ્લામાં બાળાસાહેબ ઠાકરે હરિદ્રા (હલ્દી) અનુસંધાન તેમજ પ્રશિક્ષણ કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે.

આ સિવાય, કર્જત (જિલ્લા અહમદનગર)માં સિવિલ જજ (સીનિયર લેવલ) કૉર્ટની સ્થાપના કરવામાં આવશે. અહમદનગર-બીડ-પરલી વૈજનાથ નવી રેલવે લાઈન પરિયોજનાના પુનર્નિર્માણને પરવાનગી આપવામાં આવશે અને રાજ્ય સરકાર આ માટે યોગદાન આપશે.

ગ્રામીણ ક્ષેત્રોમાં ખાસ પછાત વર્ગ તેમજ અન્ય પછાત વર્ગના લોકો માટે ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફુલે ઘરકુલ યોજના લાગુ પાડવામાં આવશે.

Mumbai mumbai news maharashtra aurangabad karjat