18 March, 2026 07:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં રજૂ કરાયેલો મહારાષ્ટ્રનો ટૅબ્લો.
હિન્દુ નવ વર્ષ તરીકે ઊજવાતા ગુઢીપાડવાના પર્વ નિમિત્તે દર વર્ષે યોજાતી ગિરગામની શોભાયાત્રામાં આ વર્ષે નવું નજરાણું ઉમેરાશે. ૨૦૨૬ની પ્રજાસત્તાક દિવસ પરેડમાં રજૂ કરાયેલો મહારાષ્ટ્રનો અવૉર્ડ-વિનિંગ ટૅબ્લો શોભાયાત્રામાં જોડાય એવી શક્યતા છે. ટૅબ્લોમાં મહારાષ્ટ્રના ગણેશોત્સવની ઝાંખી કરાવવામાં આવી હતી. શોભાયાત્રા ૧૯ માર્ચે સવારે ૮ વાગ્યે વી. પી. રોડ પર ફડકે શ્રી ગણપતિ મંદિરથી ગુઢીપૂજન કાર્યક્રમ સાથે થશે. વંદે માતરમનાં ૧૫૦ વર્ષ પૂર્ણ થયાં હોવાથી આ વર્ષની થીમ ‘વંદ્ય વંદે માતરમ્’ રાખવામાં આવી છે. આ શોભાયાત્રાનું નેતૃત્વ શિલ્પકાર પ્રદીપ માદુસકર દ્વારા બનાવવામાં આવેલી ગણેશ મૂર્તિ દ્વારા કરવામાં આવશે. મહિલાઓ અને યુવતીઓ અથર્વશીર્ષ સ્તોત્રનું પઠન કરશે. મહારાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને દર્શાવતી થીમ આધારિત વિવિધ ટૅબ્લો, મહિલા બાઇકર ગ્રુપ્સ, ઢોલ-તાશા પથકો અને પરંપરાગત માર્શલ આર્ટ્સ ટીમ દ્વારા પ્રદર્શન કરવામાં આવશે.\
મહારાષ્ટ્ર ફ્રીડમ ઑફ રિલિજન બિલ ૨૦૨૬ને વિધાનપરિષદમાં પણ બહાલી મળી ગઈ છે. બળજબરી, છેતરપિંડી, પ્રલોભન અથવા લગ્ન દ્વારા કરવામાં આવતા ધાર્મિક પરિવર્તનને પ્રતિબંધિત કરવા માટે કડક જોગવાઈઓ ધરાવતા આ બિલને સોમવારે વિધાનસભામાં વૉઇસ-વોટથી મંજૂરી આપવામાં આવી હતી. મંગળવારે પરિષદમાં પસાર થયા બાદ આ બિલ કાયદો બનવા તરફ એક ડગલું આગળ વધ્યું છે. હવે ડ્રાફ્ટ કાયદાને મંજૂરી માટે રાજ્યપાલ પાસે મોકલવામાં આવશે. રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પંકજ ભોઈર દ્વારા વિધાનપરિષદમાં આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. વિપક્ષ શિવસેના (UBT)એ બિલને ટેકો આપ્યો છે, જ્યારે કૉન્ગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ એનો વિરોધ કર્યો છે.