15 March, 2025 02:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચાર કિશોરો નદીમાં ડૂબી ગયાની જાણ થતાં સ્થાનિક રહેવાસીઓએ પોલીસની મદદથી તેમને બચાવી લેવા નદીમાં ઝંપલાવ્યું હતું.
બદલાપુરમાં દસમા ધોરણમાં સાથે ભણતા ચાર મિત્રો ધુળેટી રમીને ઉલ્હાસ નદીમાં નહાવા ગયા ત્યારે ડૂબી જવાની ઘટના બનતાં બદલાપુરમાં રંગમાં ભંગ પડ્યો હતો. સોમવારે તેમનું છેલ્લું પેપર હતું.
બદલાપુરના ચામટોલી વિસ્તારની પોદાર હાઉસિંગ સોસાયટીમાં રહેતા અને દસમા ધોરણની પરીક્ષા આપી રહેલા આર્યન મેદર (૧૫ વર્ષ), ઓમસિંહ તોમર (૧૫ વર્ષ), સિદ્ધાર્થ સિંહ (૧૬ વર્ષ) અને આર્યન સિંહ ધુળેટી રમીને બપોરે ૨.૩૦ વાગ્યે ઉલ્હાસ નદીમાં નહાઈને ઘરે જવાના હતા. તેઓ નદીમાં નહાવા ઊતર્યા ત્યારે પ્રવાહનો અને ઊંડાઈનો ખ્યાલ ન આવતાં ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરી હતી. પોલીસ અને સ્થાનિક લોકોએ મળીને તે ચારેને બહાર કાઢ્યા હતા, પણ તેમનાં મૃત્યુ થતાં પરિવારમાં રોકકળ મચી ગઈ હતી. એકસાથે ચાર કિશોરોનાં મૃત્યુ થવાથી આખા વિસ્તારમાં ગમગીની ફેલાઈ ગઈ હતી.
ઇન્દ્રાયણી નદીમાં ત્રણ જણ ડૂબ્યા
પિંપરી–ચિંચવડથી દિલ્હી રોડ પર આગળ જતાં આવેલા કિન્હાઇ ગામ પાસે ઇન્દ્રાયણી નદીમાં ગઈ કાલે ત્રણ જણ ડૂબી ગયા હતા. ડૂબી ગયેલા ત્રણેય જણ ચીખલી ગામના રહેવાસી હતા. તેઓ ડૂબી ગયા હોવાની જાણ થતાં વન્યજીવ રક્ષક માવળ સંસ્થાના વૉલન્ટિયર્સ તેમને બચાવવા દોડ્યા હતા અને નદીમાં ઝપલાવ્યું હતું, પણ તેમને બચાવી નહોતા શક્યા. કલાકો બાદ તેમના મૃતદેહ મળ્યા હતા.
ફુગ્ગો ફેંકનારા ટીનેજર પર અટૅક
ડોમ્બિવલીમાં ધુળેટીની ઉજવણીમાં ભંગ પાડતી ઘટના બની હતી. ડોમ્બિવલીની એક હાઉસિંગ સોસાયટીમાં છોકરાઓ સામસામે પાણી ભરેલા ફુગ્ગા ફેંકી રહ્યા હતા ત્યારે થોડે દૂર ઊભેલા એક માણસને પાણી ભરેલો ફુગ્ગો વાગતાં તે ભડક્યો હતો અને ફુગ્ગા ફેંકી રહેલા છોકરાઓના ગ્રુપમાંથી એક છોકરાને પકડીને તેની મારઝૂડ કરી હતી. એટલું જ નહીં, તેને ધારદાર હથિયારથી ઈજા પણ પહોંચાડી હતી. આ બાબતે પોલીસમાં ફરિયાદ થતાં ડોમ્બિવલી પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.