09 April, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મલાઈકા અરોરા (તસવીર સૌજન્ય મિડ-ડે)
Saif Ali Khan Hotel Brawl Case 2012માં સૈફ અલી ખાનના મારપીટ કેસમાં મલાઇકા અરોરા ફસાઈ ગઈ છે. મારપીટ સમયે સૈફ સાથે હાજર એક્ટ્રેસ વિરુદ્ધ કૉર્ટે વૉરન્ટ જારી કર્યું છે. તાજેતરમાં જ તેની બહેન અમૃતા અરોરાને પણ આ મામલે કૉર્ટમાં હાજર થવું પડ્યું હતું. હવે મલાઈકા પણ મુશ્કેલીમાં મુકાઈ છે. જાણો આ વિશે વિગતે...
સૈફ અલી ખાન મારપીટ કેસ 13 વર્ષ બાદ ફરી ગરમાવા માંડ્યો છે. આ મામલે હોટેલમાં હાજર દરેક સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ, અમૃતા અરોરાએ કૉર્ટમાં હાજર થઈને પોતાનું નિવેદન નોંધાવી દીધું હતું. મલાઈકા અરોરાને પણ કૉર્ટમાં હાજર રહેવાનું હતું, પણ તે ત્યાં પહોંચી નહીં.
હકીકતે, 22 ફેબ્રુઆરી 2012ના રોજ સૈફ અલી ખાન સાથે હોટેલમાં મલાઇકા અરોરા પણ હાજર રહી હતી. આ મામલે મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ (એસ્પ્લેનેડ કૉર્ટ)ના એસ ઝંવર હાલ આ મામલે સાક્ષીઓના નિવેદન નોંધી રહ્યા છે. અમૃતા અરોરા બાદ મલાઇકા અરોરાએ સાક્ષી આપવાની હતી.
મલાઇકા અરોરા વિરુદ્ધ વૉરન્ટ જારી
કૉર્ટે પહેલા 15 ફેબ્રુઆરીએ અરોરા વિરુદ્ધ જામીનપાત્ર વૉરન્ટ જારી કર્યું હતું. ત્યારબાદ તેને સોમવારે કોર્ટમાં હાજર થવાનું હતું, પરંતુ તે આવી ન હતી. પીટીઆઈ અનુસાર, સૈફ અલી ખાનના કેસમાં મલાઈકા અરોરા વિરુદ્ધ ફરીથી જામીનપાત્ર વૉરન્ટ જારી કરવામાં આવ્યું છે. આ કેસની આગામી સુનાવણી હવે 29 એપ્રિલે થશે.
શું હતો સૈફ અલી ખાન પર હુમલો કેસ?
ફેબ્રુઆરી 2012માં, સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન, મલાઈકા અરોરા, અમૃતા અરોરા, કરિશ્મા કપૂર અને તેમના કેટલાક નજીકના મિત્રો ડિનર માટે એક હોટલમાં ગયાં હતાં. ત્યાં સૈફનો એક ઉદ્યોગપતિ ઇકબાલ મીર શર્મા સાથે ઝઘડો થયો. સૈફ પર એક ઉદ્યોગપતિ અને તેના સસરા પર હુમલો કરવાનો આરોપ હતો. પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે શર્માએ અભિનેતા અને તેના મિત્રો વચ્ચે થયેલી ઉગ્ર દલીલનો વિરોધ કર્યો, ત્યારે સૈફે કથિત રીતે તેને ધમકી આપી અને બાદમાં ઉદ્યોગપતિના નાક પર મુક્કો માર્યો, જેનાથી તેનું નાક તૂટી ગયું.
સૈફ અલી ખાનના હુમલાથી ઘાયલ થયા હતા
આ કેસ મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. પોલીસે જણાવ્યું હતું કે કોલાબાની એક ફાઇવ સ્ટાર હોટેલમાં થયેલી મારામારી દક્ષિણ આફ્રિકાના એક વ્યક્તિ ઇકબાલ શર્માના વિરોધ પ્રદર્શનને કારણે થઈ હતી. ઇકબાલ શર્માએ અભિનેતાના જૂથની મોટેથી વાતચીત સામે વાંધો ઉઠાવ્યો હતો. જેના પગલે સૈફ અલી ખાને કથિત રીતે તેમને અને તેમના સસરા રમણભાઈ પટેલને ધમકી આપી હતી અને શર્માના નાક પર મુક્કો માર્યો હતો, જેનાથી તેમનું નાક ફ્રેક્ચર થઈ ગયું હતું.