17 July, 2025 10:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
બાંદરા-વેસ્ટમાં રહેતા ૬૨ વર્ષના ડૉ. ગૌરાંગ શાહ એક પ્રસંગ નિમિત્તે જયપુર ગયા હતા ત્યારે તેમનો ડ્રાઇવર પ્રતીક જુંજારે તેમની મર્સિડીઝ સોમવારે સવારે વગર પૂછ્યે લઈ જઈને જોગેશ્વરી નજીક અકસ્માત કરી બેઠો હતો. પ્રાથમિક માહિતીના આધારે પોલીસે પ્રતીકની ધરપકડ કરીને પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે માલિક મુંબઈની બહાર છે એટલે હું મિત્રોને લઈને કારમાં ફરવા નીકળ્યો હતો. અકસ્માત વખતે પ્રતીકના મિત્રો પણ એ જ કારમાં હતા.
બાંદરા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય મરાઠેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડૉક્ટરનો જૂનો ડ્રાઇવર કોઈક કારણસર નોકરી છોડીને ચાલ્યો ગયો હતો એટલે તેમણે એક વેબસાઇટ પર ડ્રાઇવરની શોધખોળ કરતાં તેમની ઓળખ ૨૪ વર્ષના પ્રતીક સાથે થઈ હતી. પ્રતીક છેલ્લા ૧૨ દિવસથી તેમની પાસે નોકરી કરતો હતો. ડૉક્ટરને એક પ્રોગ્રામમાં જયપુર જવાનું હોવાથી પ્રતીકને રવિવારે-સોમવારે રજા આપવામાં આવી હતી. સોમવારે સાંજે ડૉક્ટરને જોગેશ્વરી પોલીસે જાણ કરી હતી કે તેમના નામે રજિસ્ટર્ડ કારનો ઍક્સિડન્ટ થયો છે અને કાર-ડ્રાઇવર ત્યાંથી નાસી ગયો છે. ડૉક્ટરે જોગેશ્વરી જઈને તપાસ કરતાં જાણવા મળ્યું કે એક ટેમ્પો સાથે અથડાતાં તેમની મર્સિડીઝને ભારે નુકસાન થયું છે. અંતે જાણવા મળ્યું હતું કે પ્રતીક પૂછ્યા વિના મિત્રોને મર્સિડીઝમાં ફરવા લઈ ગયો હતો અને ઍક્સિડન્ટ કરી બેઠો હતો. એ પછી ડૉક્ટરે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે અમે ડ્રાઇવરને તાબામાં લીધો છે.’