વૉન્ટેડને પકડવા વૉચમૅન બનીને પોલીસે વીસ દિવસ ફીલ્ડિંગ લગાવી

30 September, 2021 08:25 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

આરોપી ઘરમાંથી ખૂબ ઓછો નીચે ઊતરતો હોવાથી તેને પકડવામાં ઘણો સમય લાગ્યો

ગુજરાત પોલીસ ફરાર આરોપી મનીષ સિંહ (જમણે)ને પકડીને લઈ જતી હતી ત્યારે લોકો ધમાલ કરીને કાર જવા દેતા નહોતા. માંડ-માંડ પરિસ્થિતિ થાળે પડી હતી.

મર્ડર, લૂંટફાટ, જીવલેણ હુમલા જેવા કેસમાં ફરાર આરોપી નાલાસોપારાના એક બિલ્ડિંગમાં રહેતો હોવાથી તેને પકડવા ગુજરાતના પોલીસ બિલ્ડિંગનો વૉચમૅન બનીને રહી અને તેના પર વૉચ રાખ્યા બાદ તેની ધરપકડ કરી : આરોપી ઘરમાંથી ખૂબ ઓછો નીચે ઊતરતો હોવાથી તેને પકડવામાં ઘણો સમય લાગ્યો

નાલાસોપારા-ઈસ્ટના આચોલે રોડ પર આવેલી એક સોસાયટીમાં કુખ્યાત ફરાર આરોપી છેલ્લાં ૧૨ વર્ષથી પોલીસને હાથતાળી આપીને રહેતો હતો. આ આરોપી પર મર્ડર કરવું, લૂંટફાટ કરવી, સોપારી લેવી, જીવલેણ હુમલો કરવો જેવા અનેક ગંભીર ગુના નોંધાયેલા હતા. તેના પર મુંબઈ, યુપી, ગુજરાત અને અન્ય અનેક ઠેકાણે કેસ નોંધાયા છે. જોકે આ આરોપી હાથમાં આવતો ન હોવાથી ગુજરાત પોલીસે મળેલી માહિતીના આધારે તેને પકડવા વૉચમૅનની નોકરી કરવી પડી હતી. તેના પર થોડા દિવસ વૉચ રાખીને તેને પકડવામાં આવ્યો ત્યારે સ્થાનિક લોકોએ હંગામો મચાવ્યો હતો. જોકે સ્થાનિક પોલીસની મદદ બાદ તેને ગુજરાત પોલીસ પોતાની સાથે લઈ ગઈ હતી. પોલીસસૂત્રોથી જાણવા મળ્યું હતું કે પોલીસે પકડી પાડેલો આરોપી ડૉન સુભાષ સિંહ ઠાકુર સાથે કામ કરતો હતો અને તેના પર ૫૦,૦૦૦ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું. પોલીસ વૉચમૅનની નોકરી કરતી હોવાનો કોઈને અંદાજ પણ આવ્યો નહોતો. 
    આ બનાવ વિશે માહિતી આપતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હેડ કૉન્સ્ટેબલ મહાવીરસિંહ વાઘેલાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વસઈ-ઈસ્ટની એવરશાઇન સિટીમાં રશ્મિ ગાર્ડનમાં રહેતા કુખ્યાત મનીષ સિંહને પકડવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસને જ્યારે જાણ થઈ કે તે નાલાસોપારામાં પોતાના પરિવાર સાથે રહે છે તો અમારા એક અધિકારીએ ૨૦ દિવસ પહેલાં જ ત્યાં વૉચમૅનની નોકરી કરવાનું શરૂ કર્યું હતું. વૉચમૅન આવતા-જતા બધા પર નજર રાખતો હોવાથી પોલીસ અધિકારીએ તેના પર નજર રાખવાની શરૂઆત કરી હતી. મનીષ સિંહ ઉર્ફે રાજુ ઉર્ફે છોટુ નામનો આ આરોપી ઘરની બહાર બહુ ઓછું નીકળતો હતો. એથી અમને તેને પકડવામાં સમય લાગી ગયો હતો. તે ડૉન સુભાષ સિંહ ઠાકુર માટે કામ કરતો હતો. ૨૦૦૧ની ૩૦ જૂને તેણે મનીષા કોઇરાલાના સચિવ અજિત દેવાણીની સુપારી લઈને હત્યા પણ કરી હતી. છેલ્લા દોઢ દાયકાથી તે ફરાર હતો. તેના પર ગુજરાતમાં હત્યા, સુપારી, આર્મ્સ ઍક્ટ જેવા ગુના દાખલ છે. તેને ગુજરાત પોલીસ ધરપકડ કરીને લઈ જઈ રહી હતી ત્યારે સ્થાનિક લોકોએ પોલીસની કાર રોકીને જોરદાર વિરોધ કર્યો હતો. જોકે તુલિંજ પોલીસના સહયોગથી લોકોને સમજાવીને શાંત કરાયા હતા અને ત્યાર બાદ ગુજરાત પોલીસ તેને પોતાની સાથે લઈ ગઈ હતી.’

preeti khuman-thakur Mumbai mumbai news nalasopara mumbai police