11 February, 2026 07:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
મહારાષ્ટ્ર બોર્ડની બારમા ધોરણની પરીક્ષાના પહેલા જ દિવસે બીડના એક પરીક્ષાકેન્દ્ર પર વિદ્યાર્થીઓને ચોરી કરાવતા વાલીઓ પકડાયા હતા. દીવાલો પર ચડીને બારીમાંથી વિદ્યાર્થીઓને મદદ કરી રહેલા વાલીઓ ડ્રોન સર્વેલન્સની મદદથી પકડાયા હતા. અધિકારીઓએ કૉપીના આ કેસમાં વધુ કાર્યવાહી શરૂ કરી હોવાનું જણાવ્યું હતું.
પરીક્ષામાં ચોરી ન થાય એ માટે ક્લોઝ્ડ સર્કિટ કૅમેરા, ડ્રોન, ફ્લાઇંગ સ્ક્વૉડ જેવી સઘન વ્યવસ્થા હોવા છતાં બોર્ડની પરીક્ષાના પહેલા જ દિવસે આ બનાવ બન્યો હતો. પહેલું જ પેપર અંગ્રેજીનું હતું અને પરીક્ષા શરૂ થતાં જ કૉલેજની આસપાસ વાલીઓની ભીડ એકઠી થઈ ગઈ હતી. ડ્રોન કૅમેરામાં સ્પષ્ટપણે દેખાતું હતું કે વાલીઓએ બારીઓ અને દીવાલો પર ચડીને વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. રાજ્યભરમાં કૉપીમુક્ત પરીક્ષા-અભિયાન અમલમાં મુકાઈ રહ્યું છે ત્યારે બીડ જિલ્લામાં બનેલી આ ઘટના વહીવટી તંત્ર માટે શરમજનક બની ગઈ છે.