17 March, 2025 07:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સહેલાણીઓને મધમાખીઓ કરડી હતી
છત્રપતિ શિવાજી મહારાજનો જ્યાં જન્મ થયો હતો એ જુન્નરના શિવનેરી કિલ્લા પર સહેલાણીઓ ગઈ કાલે ફરવા ગયા ત્યારે શિવાઈ મંદિર પાસે મધમાખીઓએ તેમના પર હુમલો કર્યો હતો. એમાં ૫૦થી ૬૦ જેટલા સહેલાણીઓ મધમાખીના ડંખનો ભોગ બન્યા હતા. સહેલાણીઓએ મધમાખીના હુમલાથી બચવા ટી-શર્ટ કે અન્ય કપડાથી શરીર ઢાંકવાના પ્રયાસ કર્યા હતા અને ત્યાંથી ભાગવું પડ્યું હતું.
મધમાખીના ડંખનો ભોગ બનેલા ૫૦ જેટલા લોકોને સારવાર માટે ઍમ્બ્યુલન્સ દ્વારા હૉસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. જુન્નરના રેન્જ ફૉરેસ્ટ ઑફિસર પ્રદીપ ચવાણે કહ્યું હતું કે ‘આઇ-વિટનેસનું કહેવું છે કે યુવાનોના ગ્રુપે મધપૂડા પર પથ્થર મારીને મધમાખીઓને છંછેડતાં એ સહેલાણીઓ પર તૂટી પડી હતી. લગભગ ૬૦ જેટલા લોકોને મધમાખીઓએ ડંખ માર્યો હતો. એમાંથી ૫૦ને હૉસ્પિટલમાં સારવાર આપવી પડી હતી. નસીબજોગે એમાંથી કોઈને પણ જોખમ ન જણાતાં સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી.’
આવી જ ઘટના ૧૯ ફેબ્રુઆરીએ શિવજયંતી એ પણ બની હતી. એ ઘટનામાં ૧૦ જેટલા સહેલાણીઓને મધમાખીઓ કરડી હતી.