15 October, 2025 07:15 AM IST | Mumbai | Mehul Jethva
રાજાવાડી હૉસ્પિટલમાં સારવાર લેતી બાળકી, રોહિણી અને ગોપાલ પટેલ, બાળકી સાથે ભાંડુપ પોલીસ-સ્ટેશનની મહિલા કૉન્સ્ટેબલ.
હૉસ્પિટલમાં ૧૨ દિવસ બાળકીને માતાની જેમ સાચવી અને તેનું નામ પરી પાડ્યું : બેબી સ્વસ્થ થઈ ગઈ છે એટલે તેને સરકારી સુધારગૃહમાં મોકલી દેવાઈ : ગુજરાતી દંપતી તેને દત્તક લેવા કાયદેસર પ્રયાસ કરશે
ભાંડુપ-વેસ્ટમાં તુલસીપાડા વિસ્તારમાં આવેલા પબ્લિક ટૉઇલેટમાંથી એક નવજાત બાળકી મળી આવી હતી. આ બાળકીને ગુજરાતી દંપતી રોહિણી અને ગોપાલ પટેલે નવજીવન આપ્યું હતું અને તેને લઈને તાત્કાલિક પોલીસ પાસે પહોંચ્યાં હતાં. આ બાળકીને ૧૨ દિવસ હૉસ્પિટલમાં રાખ્યા પછી શનિવારે કાંજુરમાર્ગમાં આવેલા વાત્સલ્ય મહિલા બાળસુધાર ગૃહને સોંપવામાં આવી હતી. જોકે પટેલ દંપતીએ આ બાળકીને કાયદેસર દત્તક લેવા માટે જરૂરી તમામ પ્રયાસ કરવાની તૈયારી બતાવી છે.
હૉસ્પિટલના ૧૨ દિવસમાં પટેલ દંપતી ઉપરાંત ભાંડુપ પોલીસ-સ્ટેશનની ચાર મહિલા પોલીસ કૉન્સ્ટેબલોએ પણ આ બાળકીને સુરક્ષા અને હૂંફ મળી રહે એ માટે ભારે જહેમત ઉઠાવી હતી. હૉસ્પિટલમાં અન્ય કોઈને પ્રવેશ ન હોવાથી આ મહિલા કૉન્સ્ટેબલોએ પોતે હાજર રહીને બાળકી માટે માતાની કમી પૂરી કરી હતી. પોલીસ કૉન્સ્ટેબલ ભીમા ગવળી, નીતા આડે, વૈશાલી જાંભલે અને શ્રદ્ધા પવારે સાથે મળીને બાળકીને ૧૨ દિવસ સાચવી હતી.
૨૮ સપ્ટેમ્બરે સાંજે મળી આવેલી આ બાળકીનાં માતા-પિતાની કોઈ ભાળ મળી નથી. શુક્રવારે ચિલ્ડ્રન વેલ્ફેર કમિટીના ઑર્ડર બાદ શનિવારે બાળકીને રાજાવાડી હૉસ્પિટલથી કાંજુરમાર્ગના મહિલા બાળસુધાર ગૃહમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. બાળકીને સાચવનારી મહિલા કૉન્સ્ટેબલોએ બાળકીને પરી નામ આપ્યું હતું. બાળકીને શનિવારે ચિલ્ડ્રન વેલ્ફેર કમિટીના આદેશ બાદ ટ્રાન્સફર કરવામાં આવી ત્યારે પોલીસ-સ્ટેશનમાં પિયરના સ્વજનો દીકરીને સાસરે મોકલતા હોય એવો સંવેદનાસભર માહોલ સર્જાયો હતો. તેની સંભાળ રાખનારી તમામ મહિલા કૉન્સ્ટેબલોએ રડીને પરીને વિદાય આપી હતી.
૧૨ દિવસ બાળકીને કઈ રીતે રાખવામાં આવી?
ભાંડુપ પોલીસ-સ્ટેશનની પોલીસ-કૉન્સ્ટેબલ ભીમા ગવળીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પરીને રાજાવાડી હૉસ્પિટલમાં શિફ્ટ કર્યા બાદ મારી સાથેની મહિલા કૉન્સ્ટેબલોને તેની જવાબદારી સોંપવામાં આવી હતી. શરૂઆતમાં પરીને હૉસ્પિટલમાં લઈ જવામાં આવતાં ડૉક્ટર દ્વારા તેને ફીડિંગની કોઈ સુવિધા ન હોવાથી દૂધ પાઉડરની માગણી કરવામાં આવી હતી. એ સમયે અમે પોતાના ખર્ચે પરી માટે દૂધ પાઉડર પૂરો પાડ્યો હતો. આ દરમ્યાન તેના માટે ડાયપર સહિત નવાં કપડાં પણ અમે અમારા ખર્ચે લઈને હૉસ્પિટલમાં આપ્યાં હતાં. અમે ૪ મહિલા કૉન્સ્ટેબલે સાથે મળીને તેનું નામ પરી પાડ્યું હતું. તેને જ્યારે મહિલા બાળસુધાર ગૃહને સોંપવામાં આવી ત્યારે એક રીતે અમે અમારી દીકરીને જાણે વિદાય આપી હોય એવી ભાવના અમારા મનમાં થઈ હતી.’
અમે બાળકીને કાયદેસર દત્તક લેવા માગીએ છીએ : ગુજરાતી દંપતી
બાળકીનો જીવ બચાવવા માટે પ્રયત્ન કરનાર ગોપાલ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પરી સાથે પહેલા દિવસથી મારી અને મારી પત્નીની માયા બંધાઈ ગઈ છે. મારી સૌથી મોટી દીકરી ૨૫ વર્ષની છે. તે પણ મારી સાથે તે બાળકીને જોવા રાજાવાડી હૉસ્પિટલમાં અનેક વાર આવી હતી. તેનો ઇલાજ રાજાવાડી હૉસ્પિટલમાં ચાલુ હતો ત્યારે અમે લગભગ દરરોજ એક વાર રાજાવાડી હૉસ્પિટલમાં તેની ખબર લેવા માટે જતા હતા. બાળકીને દત્તક લેવા માટેની માગણી મેં ભાંડુપ પોલીસ-સ્ટેશનના સિનિયર અધિકારીઓ પાસે કરી હતી. જોકે હવે આ પોલીસકેસ હોવાથી તેમણે મને કાયદેસર આગળ વધવાની સલાહ આપી છે એટલે લીગલ પ્રોસેસથી આ દીકરીને દત્તક લેવાનું અમે નક્કી કર્યું છે. આ માટેની લીગલ પ્રોસેસમાં આગળ કેવી રીતે વધવું એ બાબતે વકીલની સલાહ લઈને જરૂરી દસ્તાવેજો હું ભેગા કરી રહ્યો છું.’
આ રીતે મળી હતી પરી
ભાંડુપ પોલીસ-સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર પૂર્ણિમા હાંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૮ સપ્ટેમ્બરે રાતે ૮ વાગ્યાની આસપાસ બાળકીને તુલસીપાડાની શિવશક્તિ ચાલમાં રહેતાં રોહિણી અને તેનો પતિ ગોપાલ પટેલ પોલીસ-સ્ટેશન પર લઈ આવ્યાં હતાં. બાળકીને અમે રાજાવાડી હૉસ્પિટલમાં લઈ ગયા હતા.’ બાળકીને હૉસ્પિટલમાં દાખલ કર્યા પછી ગોપાલભાઈ અને રોહિણીબહેન લગભગ રોજ હૉસ્પિટલની મુલાકાત લઈને પરીની તબિયત વિશે માહિતી મેળવતાં રહ્યાં હતાં, જ્યારે ચારેય મહિલા કૉન્સ્ટેબલોએ ત્યાં પરીની કાળજી લીધી હતી.
ભારે જહેમત છતાં બાળકીનાં માતા-પિતાનો પત્તો નથી
ભાંડુપ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર બાળાસાહેબ પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદ નોંધાવ્યા પછી અમે ઘટનાસ્થળના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે આસપાસના ૩ કિલોમીટરના વિસ્તારમાં તપાસ ચલાવ્યા પછી પણ તેનાં માતા-પિતાને શોધવામાં સફળતા મળી નહોતી. હજી તપાસ ચાલી રહી છે.’