17 May, 2025 10:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જ્વેલરોને છેતરી ચોરીને કરતી બન્ને આધેડ મહિલાને ભાંડુપ પોલીસે ધીરજથી ઝીણવટભરી તપાસના અંતે પકડી લીધી.
ભાંડુપના કોંકણનગર વિસ્તારમાં જ્વેલરીની લવલી ગોલ્ડ નામની દુકાનમાંથી આધેડ ઉંમરની બે મહિલાઓએ માલિક મનોજ જૈનનું ધ્યાન બીજે દોરી ૧.૨૭ લાખ રૂપિયાના દાગીના તફડાવી લીધા હતા. મનોજ જૈને આ બાબતે ફરિયાદ કરતાં ભાંડુપ પોલીસે ઝીણવટભરી તપાસ કરી આખરે કલ્યાણમાંથી તે બન્ને મહિલાઓને દોઢ મહિને ઝડપી લીધી હતી.
એપ્રિલ મહિનામાં બન્ને મહિલાઓ દાગીના ખરીદવાના ઇરાદે મનોજ જૈનની દુકાનમાં આવી હતી. કોઈને શક ન જાય એ માટે તેમની સાથે બે બાળકો પણ હતાં. દાગીના જોતાં-જોતાં તેમણે મનોજ જૈનનું ધ્યાન બીજે દોરી તક ઝડપીને દાગીના ચોરી લઈને ચાલતી પકડી હતી.
મનોજ જૈનને જ્યારે જાણ થઈ કે તે મહિલાઓ દાગીના ચોરી ગઈ છે એટલે આ બાબતે ભાંડુપ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. ભાંડુપ પોલીસે જ્યારે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચેક કર્યાં ત્યારે તે મહિલાઓએ જ ચોરી કરી હોવાનું જણાઈ આવ્યું હતું. એ પછી તે બન્ને મહિલાઓની જાણકારી અન્ય પોલીસ-સ્ટેશન સાથે મળીને ચેક કરતાં તે બન્ને મહિલાઓ ૬૦ વર્ષની ઉષા મકાલે અને ૬૨ વર્ષની લીલાબાઈ ઢોકાળે રીઢી ચોર હોવાનું જણાઈ આવ્યું હતું. તેમની સામે મુંબઈ, થાણે, કલ્યાણ અને છત્રપતિ સંભાજીનગરમાં ગુનો નોંધાયો હોવાનું જણાઈ આવ્યું હતું. બન્ને મૂળ જાલના પાસેના વૈજાપુરની રહેવાસી છે.
કઈ રીતે પકડાઈ?
જ્વેલર્સને બેધ્યાન કરીને તેમના દાગીના ચોરી જતી આ બન્ને મહિલા કઈ રીતે પકડાઈ એની માહિતી આપતાં આ કેસના ઇન્વેસ્ટિગેશન ઑફિસર ગણેશ સાનપે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને CCTV ફુટેજ પરથી તે બન્નેની ઓળખ તો થઈ ગઈ હતી. તે બન્ને પહેલાં પકડાઈ હતી એથી તેમનાં નામ પણ મળી આવ્યાં હતાં. તપાસ દરમ્યાન એવું જાણવા મળ્યું કે છેલ્લા કેસમાં તેમને જામીન આપવા માટે એક વ્યક્તિએ પૈસા ભર્યા હતા. એથી અમે તેનો કૉલ ડીટેલ રેકૉર્ડ (CDR) કઢાવ્યો હતો. એનો અભ્યાસ કરતાં તે આ બન્ને મહિલાઓ સાથે સંપર્કમાં હોવાનું જણાઈ આવ્યું હતું.
વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે પોલીસને ચકમો આપવા તેઓ રિક્ષામાં જ પ્રવાસ કરતી. કોઈ પણ જગ્યાએ પહોંચવા તેઓ ૪-૫ રિક્ષા બદલાવતી જેથી ટ્રૅક ન થઈ શકે. છેલ્લે તેઓ મ્હાપેમાં ટ્રૅક થઈ હતી. એથી અમે ત્યાંના રિક્ષા-સ્ટૅન્ડ પર નજર રાખી હતી. અમને ખબર હતી કે તેઓ મુંબઈ તરફ જતી રિક્ષા પકડશે. એ પછી જ્યારે તેઓ ત્યાં આવી ત્યારે અમે તેમને ઝડપી લીધી હતી. બીજું, તેઓ નવવારી સાડી જ પહેરે છે એથી તેમને લોકેટ કરવું ઈઝી થયું હતું, જેવી રિક્ષા પકડવા આવી કે અમે તેમને ઝડપી લીધી. તેમણે ચોરેલા દાગીના ક્યાં વેચ્યા કે રોકડી કરી એની અમે તપાસ ચલાવી રહ્યા છીએ.’