20 August, 2025 01:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ભાંડુપ વિલેજનાં ઘરોમાં ભરાઈ ગયેલું વરસાદનું ગંદું પાણી.
ગઈ કાલના મુશળધાર વરસાદને કારણે ભાંડુપ વિલેજના નીચાણવાળા ભાગમાં રહેતા અનેક કચ્છી-ગુજરાતી પરિવારોનાં ઘરોમાં સવારના ૫.૩૦ વાગ્યાથી બપોરના ૩ વાગ્યા સુધી કમર સુધી પાણી ભરાઈ ગયાં હતાં. એને કારણે તેમને રસોડાં બંધ રાખવાની નોબત આવી હતી. જોકે આ પરિવારો માટે ભાંડુપના કચ્છી દશા ઓસવાળ જૈન સંઘે જમવાની વ્યવસ્થા કરી આપતાં તેમણે રાહત અનુભવી હતી.
અમારા વિસ્તારમાં ચોમાસામાં પાણી ભરાવાં એ સામાન્ય વાત છે એમ જણાવતાં આ વિસ્તારના મહેન્દ્ર ખોનાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આમ તો અમે નીચાણવાળા ભાગમાં રહેતા હોવાથી ચોમાસામાં મુશળધાર વરસાદ આવે એટલે અમારાં ઘરોમાં પાણી ભરાઈ જતાં હોય છે, પણ મેટ્રોનું કામ શરૂ થયું ત્યારથી અમારી મુસીબતમાં વધારો થયો છે. ગઈ કાલે તો અમને ૨૬ જુલાઈની યાદ આવી ગઈ હતી. સવારના ૫.૩૦ વાગ્યાથી ઘરમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી. થોડી વારમાં તો કમર સુધી પાણી ભરાઈ ગયાં હતાં. અમે તો અમારાં સિનિયર સિટિઝન માતા-પિતાને લઈને બાજુવાળાના ઘરના ઉપરના માળે જતા રહ્યા હતા. જોકે વરસાદનું ગંદું પાણી ઘરમાં ભરાઈ જવાથી ઘરવખરી, ફ્રિજ, કબાટ જેવી વસ્તુઓ પાણીમાં રહીને સડી ગઈ હતી. અમારા વિસ્તારમાં રહેતા ગુજરાતી અને કચ્છી પરિવારો માટે કચ્છી દશા ઓસવાળ જૈન સંઘ તરફથી મેવાડ ભવનમાં નાસ્તો અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે લોકો મેવાડ ભવનમાં પહોંચી શકે એમ ન હોય તેમના માટે ટિફિનની વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાથી અમને બહુ મોટી રાહત મળી હતી.’
કચ્છી દશા ઓસવાળ જૈન સંઘ, ભાંડુપના પ્રમુખ મનોજ લોડાયાએ તેમની વ્યવસ્થાની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે જ્યારે-જ્યારે કોઈ કુદરતી આફત આવી પડે ત્યારે સમાજ તરફથી જમવાની વ્યવસ્થા કરીએ છીએ. ગઈ કાલે પણ અમે નાસ્તો અને જમવાની વ્યવસ્થા કરી હતી જેનો અંદાજે ૩૦થી ૩૫ પરિવારોએ લાભ લીધો હતો. અમારા સ્વયંસેવકોએ ભરવરસાદમાં કમર સુધી પાણીમાં અનેક પરિવારોના ઘરે ટિફિન પહોંચાડ્યાં હતાં.’