26 April, 2025 07:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારત ડાયમન્ડ બુર્સમાં ૩૮,૦૦૦ લોકોએ આપી શ્રદ્ધાંજલિ
પહલગામ હત્યાકાંડમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના દર્શાવીને તેમના પરિવારોને સાંત્વન આપવા ગઈ કાલે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા ભારત ડાયમન્ડ બુર્સમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ બાબતે માહિતી આપતાં ભારત ડાયમન્ડ બુર્સના પ્રેસિડન્ટ કિરીટ ભણસાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે બપોરે ૩.૨૫ વાગ્યે બરોબર સાયરન વાગતાં જ બે મિનિટ માટે મૌન પાળવામાં આવ્યું હતું. ભારત ડાયમન્ડ બુર્સ (BDB), મુંબઈ ડાયમન્ડ મર્ચન્ટ્સ અસોસિએશન (MDMA), જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (JGEPC), BDBના સ્ટાફ અને બધા જ મેમ્બરોએ બે મિનિટનું મૌન પાળ્યું હતું. ૩૮,૦૦૦ લોકો આ શ્રદ્ધાંજલિમાં જોડાયા હતા. હૉલમાં અને વેપારીઓએ પોતાની ઑફિસમાં બે મિનિટ માટે ઊભા રહી મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી. BDB અને JGEPCએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. એમાં પહલગામની આ ઘટનાને વખોડીને વડા પ્રધાન આ બાબતે જે પણ પગલાં લેશે એને અમારો પૂરો સપોર્ટ હશે એમ અમે જણાવ્યું છે.’