ભીમાશંકર જ્યોતિર્લિંગનાં દર્શન સોમવારથી શરૂ, પણ ઑનલાઇન રજિસ્ટ્રેશન ફરજિયાત

13 June, 2026 10:18 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

દિવસમાં ૧૦૦૦ લોકોને જ દર્શન થશે, હજી રજિસ્ટ્રેશન શરૂ ન થવાથી યાત્રાળુઓ દ્વિધામાં

ભીમાશંકર મંદિરનું ચાલી રહેલું સમારકામ

૧૨ જ્યોતિર્લિંગમાંના એક ‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍ભીમાશંકર મહાદેવ મંદિરનું સમારકામ ચાલી રહ્યું હોવાથી છેલ્લા પાંચ મહિનાથી એને દર્શન માટે બંધ રાખવામાં આવ્યું હતું. હવે સોમવારે ૧૫ જૂનથી દર્શન ફરી શરૂ થશે. દર્શન માટે ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે, પણ સમસ્યા એ છે કે એ લિન્ક જ ઓપન કરી નથી એટલે ભાવિકોમાં અસમંજસ છે.

જિલ્લા-અધિકારી દ્વારા જાહેર કરાયેલી ગોઠવણ અનુસાર મંદિરનું કામકાજ હજી પણ ચાલી જ રહ્યું હોવાથી ૧૫ જૂનથી ૩૦ જૂન દર્શન માત્ર સવારના ૭ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી થઈ શકશે. એ પછી દર્શન બંધ થઈ જશે અને ફરી સમારકામ શરૂ કરવામાં આવશે. વળી એક દિવસમાં ૧૦૦૦ ભાવિકોને જ પ્રવેશ આપવામાં આવશે. દર્શન કરવા આવતા દરેક ભાવિક પાસે તેનું આઇડેન્ટિટી કાર્ડ હોવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

સિંહસ્થ કુંભમેળાને ધ્યાનમાં રાખીને મંદિરમાં વિવિધ વિકાસકામો ચાલુ છે. સભામંડપ, દર્શનબારી, પગથિયાંનો માર્ગ, પ્રવેશદ્વાર તેમ જ ભાવિકો માટે વધુ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. 
મંદિરના પ્રશાસને પાંચમી જૂનથી નોંધણી શરૂ થશે એમ જણાવ્યું હતું. જોકે ઘણા ભાવિકોએ વેબસાઇટ પર જઈને રજિસ્ટ્રેશન કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ત્યાં ‘કમિંગ સૂન’ એવો મેસેજ આવી રહ્યો છે. દર્શન માટે ઑનલાઇન રજિસ્ટ્રેશન ફરજિયાત હોવાથી અનેક ભાવિકો તેમની યાત્રાનું આયોજન કરવામાં દ્વિધા અનુભવી રહ્યા છે.

pune news pune maharashtra maharashtra news mumbai mumbai news