ભિવંડીમાં પતિએ પત્નીનું ગળું કાપીને માથું ખાડીમાં ફેંકી દીધું

04 September, 2025 10:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘરકંકાસથી કંટાળીને અલગ રહેવા જતી રહેલી બીવીને ગુસ્સામાં શોહરે મોતને ઘાટ ઉતારી દીધી

પ્રતીકાત્મક તસવીર

ભોઈવાડા પોલીસે ગઈકાલે ઘરેલુ વિવાદમાં ૨૨ વર્ષની પત્ની મુસ્કાનનું ગળું કાપીને હત્યા કરનાર પતિ મોહમ્મદ તાહા અન્સારી ઉર્ફે સોનુની ધરપકડ કરી હતી. મુસ્કાન તેના પતિ મોહમ્મદ પર લગ્નેતર સંબંધોની શંકા ધરાવીને વારંવાર ઘરમાં વિવાદ કરતી હતી. એનાથી કંટાળીને ૨૭ ઑગસ્ટની રાતે મોહમ્મદે એક વર્ષના પુત્રની સામે જ મુસ્કાનનું ગળું તીક્ષ્ણ છરીથી કાપી નાખ્યું હતું. ત્યાર બાદ તેણે ડેડ-બૉડી અને માથું બન્ને ભિંવડીની ઈદગાહ ખાડીમાં અલગ-અલગ ફેંકી દીધા હતા. આ મામલે પોલીસને ૨૯ ઑગસ્ટે માથું મળ્યા બાદ તપાસ કરી હતી. ગઇકાલે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

ભોઈવાડા પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર પ્રમોદ કુંભારેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૯ ઑગસ્ટે સવારે ઈદગાહ ખાડી નજીકથી મહિલાનું ધડથી કપાયેલું માથું મળી આવ્યું હતું. તાત્કાલિક એને ફૉરે​ન્સિક તપાસ માટે મોકલીને તે મહિલાનો ફેસ રિકવર કરીને તેનો ફોટો ડેવલપ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ એ ફોટો ઈદગાહ ખાડી નજીક રહેતા લોકોને બતાવવામાં આવ્યો હતો. ઉપરાંત એ વિસ્તાર નજીકના ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ લેવામાં આવ્યાં હતાં. એ સમયે અમે મૃત્યુ પામેલી મહિલાની ઓળખ કરીને તેની માતા સુધી પહોંચ્યા હતા. તેની પાસેથી વધુ માહિતી મેળવતાં તેણે મોહમ્મદ વિશેની જાણકારી આપી હતી. અમે મોહમ્મદને તાબામાં લીધો હતો. તેની કડક પૂછપરછ કરવામાં આવતાં તેણે જ મુસ્કાનની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.’

શા માટે પતિએ કરી હત્યા?

પોલીસ-ઇન્સ્પેક્ટર પ્રમોદ કુંભારેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીએ અમને માહિતી આપી હતી કે તેણે મુસ્કાન સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નના થોડા વખત બાદ તેમને એક છોકરો થયો હતો જે હાલમાં એક વર્ષનો છે. દરમ્યાન મુસ્કાન લગ્નેતર સંબંધોની શંકા ધરાવીને વારંવાર ઘરમાં વિવાદ કરતી હતી, એટલું જ નહીં, થોડા વખત પહેલાં મુસ્કાન ભિવંડીમાં ઈદગાહ ખાડી વિસ્તાર નજીક એક ઘર ભાડે રાખીને તેના પુત્ર સાથે અલગ રહેવા લાગી હતી. એ બાબતને લઈને ૨૭ ઑગસ્ટની રાતે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને ઉશ્કેરાયેલા મોહમ્મદે છરીથી મુસ્કાનનું ગળું કાપી નાખ્યું હતું. ત્યાર બાદ તેણે અલગ-અલગ સમયે મુસ્કાનની માથું અને ડેડ-બૉડી ખાડીમાં ફેંકી દીધી હતી. મુસ્કાનનું માત્ર માથું અમને મળી આવ્યું છે. અમે ફાયર-બ્રિગેડ અને ડૉગ-સ્ક્વૉડની મદદથી ડેડ-બૉડી શોધી રહ્યા છે.’

bhiwandi murder case crime news mumbai news mumbai crime news news mumbai mumbai police