01 July, 2025 09:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૩૨ વર્ષનો ચન્દ્રમોહન સિંહ
બિહારથી મુંબઈ આવીને પોતાને ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS)નો અધિકારી ગણાવીને સરકારી સવલતો ભોગવતા બહુરૂપિયાને પોલીસે પકડી પાડ્યો છે. ૩૨ વર્ષનો ચન્દ્રમોહન સિંહ પોતાને ગૃહમંત્રાલયનો અસિસ્ટન્ટ ડિરેક્ટર (સિક્યૉરિટી) હોવાનું કહીને બાંદરાના કસ્ટમ્સના ગેસ્ટહાઉસમાં રહેતો હતો તેમ જ તેની ગાડી પર ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયાની પ્લેટ લગાડીને ફરતો હતો, જેથી કોઈને શંકા પણ ન જાય.
દહિસર પોલીસને ૨૮ જૂને બપોરે એક વાગ્યે પૅટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી કે સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયરમાં કોઈ નકલી અધિકારી બનીને ફરી રહ્યો છે. દહિસર પોલીસને મળેલી બાતમીને આધારે મલાડમાં સિલ્વર ઑક હોટેલની બહાર ડ્રાઇવર અને કાર સાથે તેને પકડવામાં આવ્યો હતો. શરૂઆતમાં ચન્દ્રમોહન સિંહ નામના આરોપીએ IAS અધિકારી હોવાનું કહીને નકલી આઇડેન્ટિટી કાર્ડ બતાવ્યું હતું, પરંતુ પૂછપરછ દરમ્યાન આ દસ્તાવેજો બનાવટી હોવાનું તેણે કબૂલ્યું હતું. તપાસ દરમ્યાન પોલીસને આરોપી પાસેથી ડિફેન્સ મિનિસ્ટ્રીના અધિકારી તરીકેના બનાવટી દસ્તાવેજો પણ મળ્યા હતા.
નકલી અધિકારી બનીને રહેવા પાછળનું કારણ આપતા ચંદ્રમોહન સિંહે જણાવ્યું હતું કે ‘૨૦૧૭થી તેણે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. ૨૦૨૨ના બૅચમાં તેના અમુક મિત્રો ઇન્ડિયન રેવન્યુ સર્વિસ (IRS)માં અધિકારી બની ગયા, પરંતુ તે પાસ ન થઈ શક્યો. ઘરવાળાના વધુ પડતા પ્રેશરને કારણે તેણે પોતે IAS ઑફિસર બની ગયો હોવાનું બધાને જણાવી દીધું અને નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને IASની જેમ રહેવા લાગ્યો હતો.